________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ગુરુકુલવાસમાં રહી ધનમુનિ વગેરે ચારિત્રધર્મની સુંદર આરાધના કરવા
લાગ્યા.
* સૂત્રાર્થનો અભ્યાસ કર્યો.
* સાધુજીવનમાં કરવાની ધર્મક્રિયાઓમાં નિષ્ણાંત બન્યા.
♦ મહાવ્રતોમાં સ્થિર કરનારી ભાવનાઓ ભાવી-ભાવીને આત્મસાત્ કરી.
* રાગ-દ્વેષ પર વિજય પ્રાપ્ત કર્યો. વૈરાગ્યથી વાસિત બન્યા.
એક દિવસ ગુરુદેવે ધનમુનિને કહ્યું : ‘ગુરુકુલવાસમાં રહી તમારે જે આરાધના કરવાની હતી, તે તમે કરી. તમારા આત્મભાવને જે પ્રમાણમાં શુદ્ધ કરવાનો હતો, તે પણ કર્યો. મુનિ, હવે જે ઉગ્ર અને ઉચ્ચ કોટિની ચારિત્રસાધના કરવાની છે, તે તમારે એકાકી વિચરીને કરવાની છે. એકાકી વિહાર કરવાની યોગ્યતા તમે પ્રાપ્ત કરી લીધી છે. ઉપસર્ગો અને પરીષહો સહન કરવાની, એ સમયે ચિત્તને ધર્મધ્યાનમાં સ્થિર રાખવાની સિદ્ધિ તમે મેળવી લીધી છે. માટે હે ધનમુનિ, હવે તમારે એકાકી વિહાર કરવાનો છે.'
ધનમુનિએ કહ્યું : ‘ગુરુદેવ, આપની આજ્ઞા શિરોધાર્ય છે. આપની પરમ કૃપાથી અને હૃદયના આશીર્વાદથી, એકાકી વિહારની આરાધનામાં અવશ્ય મને સફળતા મળશે.'
એક શુભ દિવસે, ગુરુદેવના આશીર્વાદ ગ્રહણ કરી ધનમુનિએ સિંહની જેમ નિર્ભયપણે એકાકી વિહારનો પ્રારંભ કરી દીધો. ગામમાં એક રાત રહે છે, નગરમાં પાંચ રાત રહે છે... અને એ રીતે તેઓ વિચરણ કરે છે.
વિચરતાં વિચરતાં તેઓ કૌશામ્બી નગરીમાં પહોંચ્યા. ભોજનવેળા વીતી ગયા પછી ભિક્ષા લેવા માટે તેઓ નગરમાં ગયા.
‘ધર્મલાભ’ કહી તેમણે એક ઘરમાં પ્રવેશ કર્યો.
ઘરમાં માત્ર બે સ્ત્રીઓ જ હતી, પુરુષ ન હતો. એક સ્ત્રીએ ધનમુનિને ઓળખી લીધા... તેના ઘરમાં ભોજનસામગ્રી હતી નહીં... તેણે કહ્યું : ‘હે મુનિ, ભોજનવેળા વીતી જવાથી તમને હું ભિક્ષા આપી શકું એમ નથી...' મુનિ તરત જ ઘરમાંથી બહાર નીકળી ગયા.
મુનિને ઓળખી જનારી સ્ત્રી ધનશ્રી હતી! નંદકની સાથે તે કૌશામ્બીમાં આવીને વસી ગઈ હતી. નંદકે પોતાનું નામ બદલીને સમુદ્રદત્ત રાખેલું હતું.
990
ભાગ-૨ * ભવ ચોથો
For Private And Personal Use Only