________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્યા હતાં, એ જ રીતે આ બે જીવોનાં મૃત્યુ પછી એમની સદ્ગતિ થાય માટે દાનપુણ્ય કરજો.”
રાજાની વાત હું સાંભળતો હતો, સમજતો હતોકારણ કે મને “જાતિસ્મરણજ્ઞાન' થઈ ગયું હતું ને! રાજા ક્યા જાણતો હતો કે તું જેમના અગ્નિસંસ્કારની વાત કરે છે, એ જ તારાં પિતા છે ને દાદીમા છે!
અમારા બંનેનું ઘર વેદનામાં મૃત્યુ થયું.
“સુવેલ' નામના પર્વતની પશ્ચિમ દિશામાં એક વન હતું. એ વનમાં બોરડી, બાવળ, કેરડો, ખેર આદિ કાંટાવાળા અસંખ્ય વૃક્ષો હતાં. ફળ-ફૂલ અને છાયાવાળું એક પણ વૃક્ષ ન હતું. ક્યાંક ક્યાંક વડ, ખજૂરી, ખીજડા વગેરેના વૃક્ષો હતાં પણ એ વૃક્ષોનાં પાંદડા સુકાઈ ગયેલાં હતાં. ખાડા-ટેકરાવાળા અને કાંટા-કાંકરાથી ભરેલી કેડીઓ હતી. એ વનમાં હું નોળિયા' રૂપે જન્મ્યો, નોળિયણના પેટમાં મેં નરકની વેદના કરતાં વધારે વેદના અનુભવી. જન્મ થયા પછી માતાના સ્તનનું દૂધ સુકાઈ ગયું અને જંગલમાં કંઈ ખાવાનું હતું નહીં. ભૂખની ભારે પીડા સહન કરતો રહ્યો. મારું શરીર સુકાતું ચાલ્યું. ત્યાં મને ખાવા માટે ગોખરુના કાંટા મળ્યાં. એ ખાઈને હું ભૂખ સંતોષતો રહ્યો.
મારી માતા, કે જે કૂતરો હતી, તે મરીને એ જ વનમાં સર્પરૂપે જન્મી. સાપ એટલે સાપ! જેવો તેવો નાનકડો નહીં, ચાર ગજ લાંબો! કાળો ડિબાંગ! લાલચોળ આંખવાળો.. અને લપલપ કરતી લાંબી જીભવાળો!
હું ફરતો ફરતો એ પ્રદેશમાં જઈ ચઢયો, કે જ્યાં એ રહેતો હતો. ત્યાં એક નાનું જળાશય પણ હતું. સાપને મેં જળાશયના કિનારે જોયો. તેણે એક મોટા દેડકાને પકડ્યો હતો, તેને ગળવાનો પ્રયત્ન કરતો હતો.
મને ખૂબ ભૂખ લાગી હતી, અને સાપને જોઈને મારા મનમાં જાતિવેર પેદા થઈ ગયું હતું. મેં એ સાપને પૂછડાથી પકડ્યો.... પૂછડાને ચાવવા લાગ્યો... ત્યાં એ સાપે ભયંકર ફુત્કાર કર્યો. તેણે ફણા ઊંચી કરી... તેની આંખોમાંથી આગના તણખા ઝરવા લાગ્યા. તેણે મારા મુખ પર જોરથી ડંખ દીધો. છતાં મેં એને છોડ્યો નહીં... અમે બે ભયંકર ક્રોધથી લડવા લાગ્યા. મેં એને લોહીલુહાણ કરી નાંખ્યો. પણ એ મોટો હતો. એણે મને જકડી લીધો.. મને જમીન સાથે દાબીને.. મારું ભક્ષણ કરવા માંડયો... મારું સમગ્ર શરીર ખાઈ ગયો! મને ચીરી નાખ્યો.. નસો તોડી નાખી.. લોહી પી ગયો. મારું મૃત્યુ થઈ ગયું.
હે ધનકુમાર, વિશાલાનગરીની પાસે એક નદી વહેતી હતી. નદી ઊંડી હતી, શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only