________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે દિવસે મને ભેટ આપવામાં આવ્યો હતો, એ જ દિવસે કૂતરો ભેટ આપવામાં આવ્યો. રાજસભામાં રાજાએ અમને બંનેને જોયા. અમે બંને રાજાને ગમી ગયા. રાજાએ મારી પ્રશંસા કરી, કૂતરાની પણ પ્રશંસા કરી.
એક શ્રેષ્ઠ શિકારીને બોલાવી, તેને કૂતરો સોંપ્યો. શિકારીને કહ્યું : “તું જાણે છે કે મારાં બે કામ છે, પ્રજાનું પાલન કરવું અને યથેચ્છ શિકાર ખેલવો! આ કુતરાને તું એવી સરસ શિક્ષા આપજે કે મને શિકારમાં ઉપયોગી બને.” શિકારી કૂતરાને લઈને ચાલ્યો ગયો.
ત્યાર પછી, રાજપક્ષીઓનું પાલન કરનારા નીલકંઠને બોલાવી કહ્યું : “નીલકંઠ, આ મોરને તારે પાળવાનો છે. એને રાણીવાસમાં રાખવાનો છે; પણ મુક્ત રાખવાનો છે. અવારનવાર રાજસભામાં એના નૃત્યનો કાર્યક્રમ પણ રાખવાનો છે.”
નીલકંઠ મને ઉપાડીને લઈ ગયો. એણે થોડા દિવસ મને એની પાસે રાખ્યો. રાજમહેલની રહેણીકહેણી મને શીખવાડી. પછી રાણીવાસમાં મને મૂકી દીધો. જે વાસગૃહનો ઉપયોગ હું અને નયનાવલી કરતાં હતાં એ વાસગૃહનો ઉપયોગ રાજા ગુણધર અને રાણી નિરંજના કરતાં હતાં. નયનાવલી ચિત્રશાળામાં રહેતી હતી. વાસગૃહની બહાર એક ચોક હતો. ચોકની ઉપર કલાત્મક છાપરું હતું. ચારે દિશાઓમાં થોડી થોડી ઊંચી દિવાલો હતી. તે ચોકમાં વાસગૃહનું એક દ્વાર ખૂલતું હતું. એ ચોકથી ઉત્તર દિશા તરફ પચાસ પગલાં દૂર ચિત્રશાળા હતી. ચિત્રશાળાની એક મોટી બારી ચોક તરફ પડતી હતી. હું એ બારી સુધી જઈ શકું એવો રસ્તો હતો. લગભગ એ બારી ખુલ્લી રહેતી હતી, જ્યારે નયનાવલી ચિત્રશાળામાં હોય ત્યારે.
એ ચોક મારું ઘર હતું. મારું રહેવાનું. ખાવાનું... રમવાનું અને નાચવાનું જ્યારે હું ટહુકતો... ને નૃત્ય કરતો ત્યારે રાણી નિરંજના વાસગૃહનો દરવાજો ખોલી દરવાજામાં ભદ્રાસન મૂકી, એના ઉપર બેસતી, એને હું ખૂબ ગમતો હતો. હું નાચતો નાચતો એની પાસે જતો... એ મારા માથે હાથ ફેરવતી... મને પ્રેમ કરતી. એવી જ રીતે રાજા ગુણધર પણ મને ખૂબ ચાહતો હતો. જ્યારે એ વાસગૃહમાં આવતો ત્યારે મારી ખબર લેતો... મારા માથે. શરીરે હાથ ફેરવી મને પંપાળતો... અને જો એને ઉતાવળ ના હોય તો મારું નૃત્ય પણ જોતો.
મારા દિવસો સુખમાં જતા હતા, પરંતુ આ સંસારમાં કોઈનાય બધા દિવસો સુખમાં નથી જતા, તો પછી મારા દિવસો ક્યાંથી સુખમાં જાય?
શ્રી સમરાદિત્ય મહાકથા
g
For Private And Personal Use Only