________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવી, ઘોર અનર્થ થઈ ગયો. એ મહાત્મા હવે પારણું નહીં કરે. એ પ્રતિજ્ઞાના પાલનમાં અતિ દૃઢ તપસ્વી છે. એ આજથી જ બીજા મહિનાના ઉપવાસ શરૂ કરી દેશે.. અહો. મારું કેવું દુર્ભાગ્ય? એ તપસ્વીને મેં કેવી દેહ-પીડા ઉપજાવી? કેવું કષ્ટ આપ્યું?” રાજાની આંખો ભીની થઈ ગઈ.
નાથ, આપણે શું કરીએ? કેવી અસહ્ય શિરોવેદના આપને ઊપડી હતી? એવી વેદનામાં પારણાની વાત સ્મૃતિમાં ન રહે, એ સ્વાભાવિક છે. કોઈને ખાવા-પીવાનું પણ સૂઝતું ન હતું... ત્યાં એ તપસ્વીનું પારણું કોને સ્મૃતિમાં આવે? આપે જાણીબૂજીને તો પારણું ચૂકવ્યું નથી ને? પછી શા માટે આટલું બધું દુઃખ લગાડો છો?'
“દેવી, મારી ભૂલ થઈ.... મારે રાજપરિવારને, ખાસ કરીને રાજમહેલના દ્વારપાલોને ગઈ કાલે સૂચના આપવી જોઈતી હતી.. કે “આવા ભગવાં વસ્ત્રધારી કૃશકાય તાપસ આવે. તો એમનો સત્કાર કરી એમને બોલાવી લેજો....”
પરંતુ એવી સૂચના આપવાનું પ્રયોજન જ ન હતું. ગઈ કાલે આપણે નિર્ણય કર્યો હતો. કે પ્રભાતે આપણે બે સ્વય, એ મહાતપસ્વીનું સ્વાગત કરવા મહેલના દ્વારે ઊભા રહીશું. સાચાં મોતીથી વધાવીશું! જુઓ, મેં સ્વર્ણથાળમાં મોતી પણ ભરી રાખ્યાં હતાં!' રાણીએ એક આસન પર પડેલા સ્વર્ણથાળ તરફ આંગળી કરી. .
‘તમારી વાત સાચી છે. આપણે આપણી રીતે સાચા હોઈશું, પરંતુ એ મહાત્માનું મહિનાના ઉપવાસનું પારણું ન થયું એ પણ સાચું છે ને? કેવું કષ્ટ થયું હશે એ મહાત્માને? દેવી, એક દિવસના ઉપવાસના પારણામાં આપણને વિલંબ થાય તો કેવું કષ્ટ થાય? અને હવે તો એ મહાત્મા બીજા મહિનાના ઉપવાસ શરૂ કરશે.....”
રાજાની એક શિરોવેદના દૂર થઈ. બીજી સિરોવેદના શરૂ થઈ.
શારીરિક વેદનાનો અંત આવી ગયો, માનસિક વેદનાનો ઉદય થયો. રાજાનું ભક્ત-હૃદય પારાવાર વેદના અનુભવવા લાગ્યું. તેમણે રાણીને કહ્યું :
દેવી, આપણે હમણાં જ તપોવન જઈએ. એ મહાત્માને ફરીથી મહેલમાં પધારવા આગ્રહ કરીએ, ન જ આવે તો ક્ષમા માંગીને પાછા આવીએ...”
સ્વામીનાથ, આજે આપને આ ખંડની બહાર પગ મૂકવાની પણ વૈદ્યોએ ના પાડી છે... એટલે આજે આપણે તપોવનમાં નહીં જઈ શકીએ. આવતી કાલે જો આપ પૂર્ણતયા સ્વસ્થ હશો, તો અવશ્ય જઈશું.'
ત્યાં ઉપસ્થિત મંત્રીવર્ગો, વૈદ્યોએ, માંત્રિકોએ અને તાંત્રિકોએ સહુએ મહારાજાને તપોવનમાં જવાની ના પાડી. મહારાજા મૌન રહ્યા. મહારાણીએ સહુને ખંડ છોડી જવાનો સંકેત કર્યો અને મહારાજાને સ્નાનાદિ નિત્ય કર્મોથી પરવારવા વિનંતી કરી.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only