________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર-સત્કાર કર્યો.
પ્રયાણનો શુભ દિવસ આવી ગયો.
ચુનંદા સૈનિકો અને વિશાળ પરિચારક-પરિચારિકાવૃંદ સાથે રાજપરિવારે વસંતપુર તરફ મંગલ પ્રયાણ કરી દીધું. સાત દિવસની યાત્રાના અંતે વસંતપુરના બાહ્ય ઉપવનમાં સહુ પહોંચી ગયાં.
વસંતપુરના હજારો પ્રજાજનો, તેમનાં રાજા-રાણીનાં દર્શન કરવા આતુર હતાં. તેમણે વસંતપુરના રાજમાર્ગોને શણગાર્યા હતા. એક એક ગલીને અને એક એક ઘરને સજાવ્યું હતું. એક-એક સ્ત્રી-પુરુષે અને બાળકોએ શણગાર સજ્યા હતા. આજે પહેલી જ વાર તેમના મહારાજા વસંતપુરમાં રહેવા આવી રહ્યા હતા. ઘણી આશાઓ અને ઘણા ઉમંગો સાથે પ્રજાજનો તેમણે મહારાજાનું ભવ્ય સ્વાગત કરવા થનગની રહ્યાં હતાં.
વસંતપુર અને આસપાસનાં ગામોની જનતાએ રાજા ગુણસેનની અને મહારાણી વસંતસેનાની ઘણી ઘણી પ્રશંસા સાંભળી હતી. તેમનાં સત્કાર્યોની કીર્તિ જાણી હતી. તેમની અગાધ પ્રજાવત્સલતાની પ્રશસ્તિ સાંભળી હતી. આજે એ પ્રજાપ્રિય ગુણનિધાન રાજા-રાણીને પ્રત્યક્ષ જોવા માટે હજારો સ્ત્રી-પુરુષો અને બાળકો પોતાના નિવાસોમાંથી બહાર નીકળી આવ્યાં હતાં. માનવમહેરામણથી રાજમાર્ગો ઊભરાઈ ગયા હતાં.
પૂર્વે આવી ગયેલા મહામંત્રીએ સંગેમરમરના ભવ્ય કલાત્મક રાજમહેલને અત્યંત સ્વચ્છ કરાવી દીધો હતો. રમણીય ઉદ્યાનની મધ્યમાં આવેલો મહેલ, શુક્લપક્ષની રાતોમાં ચન્દ્રની ચાંદનીની સ્પર્ધા કરતો હતો.
મહામંત્રીએ મહેલના દ્વારે દ્વારે રત્નોના અને મોતીઓનાં કલાત્મક તોરણો બંધાવ્યાં હતાં. રંગ-રંગનાં ને ભાત-ભાતનાં મૂલ્યવાન વસ્ત્રોના પડદાઓ અને ઝાલરો બંધાવી હતી. મહેલના પ્રત્યેક ખંડની મધ્યમાં ચંદનકાષ્ઠનાં આસન મુકાવી તેના પર સુગંધી પુષ્પોના ગુચ્છ મુકાવ્યા હતા.
મહેલની ચારે બાજુ અગરુ-ધૂપનાં કુંડાઓ ગોઠવી દીધાં હતાં. તેમાંથી અસંખ્ય ધૂમ્રસેરો નીકળીને આકાશમાં ફેલાતી હતી. ભૂમિ પર સુગંધી જલનો છંટકાવ કરી દીધો હતો. ઉદ્યાનનાં વૃક્ષોની ડાળો પર કોયલ ટહુકાર કરતી હતી. લતામંડપોમાં મોર નૃત્ય કરતા હતા. અનેક સુંદર પક્ષીઓના વૈવિધ્યભર્યા શબ્દો સંભળાતા હતા.
મહારાજાનું સ્વાગત કરવા, ૧૦૮ યુવાનો એકસરખાં સુંદર વસ્ત્રો પહેરી, વિવિધ વાજિંત્રો વગાડતા નગરની બહાર જઈ રહ્યા હતા. તેમની પાછળ ૧૦૦૮ સૌભાગ્યવંતી સ્ત્રીઓ માથે સ્વર્ણકલશ લઈને, મંગલ ગીતો ગાતી ચાલી રહી હતી. તેમની પાછળ શણગારેલા ૧૦૮ હાથી મદમાતી ચાલે ચાલી રહ્યા હતા. તે પછી ૧૦૦૮ ઉત્તમ કોટિના અશ્વો પર આરૂઢ શસ્ત્રસજ્જ સૈનિકો ચાલી રહ્યા હતા અને પાછળ હજારો સ્ત્રી-પુરુષો ચાલી રહ્યાં હતાં.
ભાગ-૧ ૪ ભવ પહેલો
u0
For Private And Personal Use Only