________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નુતન તાપસની ઘોર પ્રતિજ્ઞા તમે સાંભળી છે. તપોવનની પૂર્વ દિશામાં જે ઊંચી શિલા છે, તેના પર આ મહાતપસ્વી બેસશે અને ધ્યાનમગ્ન બનશે. એ પ્રદેશમાં વિના પ્રયોજને તમારે જવું નહીં, જવું પડે તો પૂર્ણ મૌન રાખજો. જરા પણ અવાજ ન થાય, તેની કાળજી રાખજો. એ મહાત્માની આરાધનામાં તમારે સહુએ સહાયક બનવાનું છે.
તમે સહુ ગુણાનુરાગી છો, એ હું જાણું છું. અગ્નિશર્માના પ્રત્યે તમારા હૃદયમાં અનુરાગ પ્રગટ્યો જ હશે. ઇર્ષ્યા વિનાના અજ્ઞાની લોકોને પણ ગુણનું આકર્ષણ હોય છે, જ્યારે તમે તો બધા જ્ઞાની અને ગુણાનુરાગી છો.”
ગુરુદેવ..” મુખ્ય અને મોટા તાપસે ઊભા થઈ કુલપતિને નમન કરીને કહ્યું : “આ મહાતપસ્વીથી આપણે તપોવન ખ્યાતિ પ્રાપ્ત કરશે. તપોવનની કીર્તિ વધશે. આ મહાતપસ્વીએ ખરેખર, ઉગ્ર તપશ્ચર્યાની પ્રતિજ્ઞા કરી છે. અમે એમની પરિચર્યામાં રહીશું. એમની આરાધના-ઉપાસનામાં કોઈ વિઘ્ન ના આવે, કોઈ વિક્ષેપ ના આવે, તે માટે અમે સહુ જાગ્રત રહીશું.
આ મહાપુરુષ અગ્નિશર્માએ સાચે જ તાપસજીવનને સફળ બનાવવાનો પ્રશસ્ત માર્ગ લીધો છે. અમે પુનઃ પુનઃ એમની અનુમોદના કરીએ છીએ. એમના પ્રત્યે ખરેખર, અમારા હૃદયમાં અપાર પ્રેમ પ્રગટ્યો છે.”
૦ ૦ ૦ તપોવનથી બહુ દૂર નહીં, બહુ નજીક નહીં, વસંતપુર નામનું નગર આવેલું હતું. વસંતપુરના નાગરિકો માટે આ તપોવન સુપરિચિત હતું. નગરમાં કુલપતિ આર્ય કૌડિન્ય પ્રત્યે ખૂબ શ્રદ્ધા હતી. નગર ઉપર આર્ય કૌડિન્યનો સારો પ્રભાવ હતો. તેના પરિણામે વસંતપુરની આસપાસનાં જંગલોમાં કોઈપણ વન્ય પ્રાણીની હિંસા થતી ન હતી. રાજા કે રાજકુમારો પણ શિકારે નહોતા જતા.
રાજા ગુણસને “વસંતપુરને પોતાની બીજી રાજધાની બનાવી હતી. વસંતપુર સ્વચ્છ અને સુંદર નગર હતું. તે નગરની રચના પણ કલાત્મક હતી. સ્વચ્છ ને પહોળા રાજમાર્ગો હતા. નગરની મધ્યમાં રમણીય ઉદ્યાન હતું. રાજમાર્ગોની બંને બાજુએ વૃક્ષોની હારમાળાઓ હતી. એકસરખા સુંદર મકાનો અને દુકાનોની પંક્તિઓ હતી.
નગરમાં કોઈ દરિદ્ર ન હતું. ઘર-ઘરમાં વૈભવ-સંપત્તિની છોળો ઊછળતી હતી. છતાં પ્રજામાં ઉન્માદ ન હતો, ઉદ્ધતાઈ ન હતી. નગરના મહોલ્લે-મહોલ્લે પરમાત્માનાં મંદિરો હતાં, લોકોમાં પરમાત્મા પ્રત્યે, સાધુપુરુષો પ્રત્યે અને ધર્મ પ્રત્યે પ્રેમ હતો, આદર હતો.
ભાગ-૧ જ ભવ પહેલો
For Private And Personal Use Only