________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘હું ભોજનમાં કેવી રીતે ઝેર આપીશ? સાધુઓ તો બધાની ભેગી જ ભિક્ષા ગ્રહણ કરે છે! જો બધા ભોજનમાં ઝેર ભેળવું તો સો એ સો મુનિ મોતના મોંમાં ધકેલાઈ જાય. હાહાકાર મચી જાય... અને કદાચ મારા પર શંકા આવી જાય લોકોને.
જો આહાર આપતાં એમ કહું કે ‘આ કંસાર મુનિ, તમે જુદા પાત્રમાં ગ્રહણ કરો... આ મારા પુત્ર માટે જ છે. એ તમે શિખીકુમારને જ આપજો..’ તો મુનિઓ ઘણા તર્ક-વિતર્ક કરે... કદાચ એક મુનિને થોડો કંસાર ખવડાવી જુએ... તો મારું આવી બને... હું પકડાઈ જ જાઉં... પછી સાધુઓ રાજાને ફરિયાદ કરે... રાજા મને શૂળી પર જ ચઢાવી દે. અથવા નાક-કાન કાપી જંગલમાં તગેડી મૂકે.
‘તો હું શું કરું?’ તેનું ચિત્ત અતિ ચંચળ બની ગયું. જાણે કે એક સાથે સો-બસો સોયો એના શરીરમાં ભોંકાઈ હોય... કે એક સાથે સો વીંછીઓએ ડંખ દીધા હોય... તેવી કાળી વેદના થવા લાગી.
‘જો આજ-કાલમાં કોઈ ઉપાય નહીં જડે... ને એ જીવતો ચાલ્યો ગયો... તો હું ગાંડી થઈ જઈશ... મારે આપઘાત કરીને મરવું પડશે... અને ડાકણ બનીને એનું લોહી પીવું પડશે...' તે પલંગમાં પછડાઈ. બે હાથેથી બે લમણાં દબાવવા લાગી. ધીરે ધીરે તેનો ઉશ્કેરાટ શાંત પડવા લાગ્યો. ઝંઝાવાત વહી ગયા પછી જેમ વૃક્ષો ધીરેધીરે ઝૂમતાં રહે, તેમ જાલિની ધીરે ધીરે ઉપાય વિચારવા લાગી... સ્વગત બબડવા લાગી :
‘આવતીકાલે શિખી અહીં આવે એ પહેલાં હું જ ભોજનસામગ્રી લઈને ઉદ્યાનમાં પહોંચી જાઉં... અને કહ્યું : ‘ભલે તમે મારા જેવી અભાગણીના ઘેર આવીને ભિક્ષા ન લો, અહીં આ ઉદ્યાનમાં તો ગ્રહણ કરો... જો તમે ભિક્ષા નહીં લો તો હું ભૂખી ને તરસી અહીં બેસી રહીશ... ને પછી છાતીફાટ રુદન કરીશ... ત્યાં સૌ સાધુઓ છે... થોડા સાધુઓના મન પર અસર જરૂર થશે! ‘આ શિખીકુમારને ભિક્ષા ગ્રહણ ક૨વા અનુનય કરશે. કારણ કે કરુણા પછી સિદ્ધાંતનો વિચાર ક૨વા દેતી નથી.
અને જ્યારે તેઓ ભિક્ષા લેવા તત્પર થશે, ત્યારે હું કહીશ : ‘હે વત્સ, આજે તો મારે મારા હાથે જ બધા સાધુઓને ભોજન કરાવવું છે...' શિખી મારી આ વાત કદાચ નહીં માને, પરંતુ ત્યાં રહેલા સાધુઓમાં કોઈના પણ હૃદયમાં મારા પ્રત્યે સહાનુભૂતિ જરૂર પ્રગટશે. એ સાધુઓ શિખીકુમારને મનાવશે. શિખી માની જશે... આનાકાની જરૂર કરશે, પરંતુ છેવટે માની જશે! બસ, મારું કામ પાર પડી જશે.
મારે કાલે પહેલા પ્રહરના અંત ઉદ્યાનમાં પહોંચવું જ પડશે, સવારે વહેલા ઊઠીને હું ભોજનસામગ્રી તૈયાર કરી દઈશ, પહેલેથી મારે શિખીને જણાવવું નથી. અચાનક જ હું પહોંચી જઈશ...'
४८५
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only