________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|| g૧HI
કૌશામ્બીની પ્રજાએ મહોત્સવ ઊજવ્યો. મહામંત્રીએ કૌશામ્બીનાં ગગનચુંબી મંદિરોમાં ભવ્ય મહોત્સવ ઊજવ્યો. શિખીકુમારે સવારથી સાંજ સુધી દીન... અનાથ અને દુઃખી મનુષ્યોને દાન આપવા માંડ્યું. મહામંત્રીએ પોતાના ધનભંડાર ખોલી નાંખ્યા હતા. કરુણાસભર નેત્રો અને કમલદંડ જેવો હસ્ત લોકો કુમાર પાસેથી દાન ગ્રહણ કરી કૃતકૃત્યતા અનુભવે છે. મહામંત્રી અને દ્વિશ્રેષ્ઠ પિંગલ, કુમારની આસપાસ ફરતા રહે છે. મંત્રી ઇન્દ્રશર્મા પણ આઠે દિવસ બ્રહ્મદત્તની હવેલીમાં આવીને રહ્યા છે. દીક્ષા મહોત્સવમાં સક્રિય બની મહોત્સવને ભવ્ય બનાવે છે.
આઠમા દિવસે પ્રભાતે કુમારનો સ્નાનવિધિ રચાયો. આઠ શ્રેષ્ઠ પરિચારિકાઓએ સુગંધિત જલથી સ્નાન કરાવ્યું. તે પછી એના રેશમી કેશકલાપને ગૂંથીને એમાં મુતામણિ ગૂંચ્યાં. એના કપોલ પર રક્ત વર્ણના કેસરનું આછું વિલેપન કર્યું. કુમારના કાનોમાં નીલમણિનાં કુંડલ પહેરાવ્યાં અને કંઠમાં અતિ મૂલ્યવાન રત્નોનો હાર પહેરાવ્યો. એના શરીર પર કુંકુમ, કસ્તુરી અને અગરુનું વિલેપન કર્યું. અતિ કોમલ શ્વેતવર્ણીય અધોવસ્ત્ર ધારણ કર્યું. કમર પર ઇન્દ્રનીલમણિની મેખલા ધારણ કરી... પીતવર્ણનું વિવિધ રત્નો ટાંકેલું રેશમી ઉત્તરીય વસ્ત્ર ધારણ કર્યું. કુમારની ઉજ્જવલ ધવલ દંતપંક્તિ અને લાલ-લાલ અધરોષ્ઠ. અપ્રતિમ શોભા વધારતા હતા. એનાં મોટાં મોટાં નયનોમાં કાજલ આંજવામાં આવ્યું. પૂર્ણચન્દ્ર જેવું તેનું મુખ જોઈ જોઈને આઠે પરિચારિકાઓ કુમારનાં ઓવારણાં લેવા લાગી. બીજી નાગરિક કન્યાઓનું વૃંદ વીણા, મૃદંગ, મુરજ અને મોરલીની સાથે, કોકિલકંઠે ગીતો ગાવા લાગી.
જૂઈ અને બકુલનાં પુષ્પોની સુગંધથી, મહામંત્રીની હવેલીનું વાતાવરણ સુરભિત થયું હતું. હવેલીને છયે ઋતુઓનાં પુષ્પોથી શણગારવામાં આવી હતી. હવેલીના પ્રાંગણમાં મંગલ વાઘ વાગી રહ્યાં હતાં તથા નૃત્યાંગનાઓ મંગલ ગીત ગાઈ રહી હતી.
પરંતુ બ્રહ્મદત્ત પુત્રવિરહની કલ્પનાથી વિકલ બની, શૂન્ય દૃષ્ટિથી જમીન પર જોઈ રહ્યા હતા. તેમનું હૃદય અનિર્વચનીય ભાવોથી ભરાઈ ગયું હતું. તેઓ હસી શકતા ન હતા, રડી શકતા ન હતા. તે છતાં, બધા જ અભાવોમાં એક ભાવ તેમને સ્વસ્થ રાખતો હતો. “શિખીએ શ્રેષ્ઠ જીવનપથ પસંદ કર્યો છે...”
વિવિધ વર્ણના પુષ્પોથી શણગારેલા સ્વર્ણ-રજતથી નિર્મિત રથમાં કુમારને બેસાડવામાં આવ્યો, અને રથના શ્વેતવર્ણીય અશ્વોએ ગતિ કરી. મંગલવાદ્યોએ આકાશને ભરી દીધું.
શ્રી સમરાદિત્ય મહાકથા
83
For Private And Personal Use Only