________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ બંને પૂજ્યો, હવે મને અનુમતિ આપો... હું સાધુધર્મ અંગીકાર કરી, મારા આત્માને અનંત કર્મોનાં બંધનોથી મુક્ત કરવાનો પુરુષાર્થ કરું.”
શિખીકમારનાં મધુર વચનો સાંભળીને પિંગલ નેહવશ બની ગયો. તેણે કુમારને પોતાની છાતી સાથે ચાંપી દીધો. અને એના મસ્તક પર આંસુઓનો અભિષેક કર્યો.
બ્રહ્મદત્તે ગળગળા સ્વરે કહ્યું : “વત્સ, ગુરુદેવે બતાવેલો સાધુધર્મ જ સાચો શ્રેયમાર્ગ છે. આ સંસાર... આ ગૃહવાસ સાચે જ ક્લેશ-સંતાપ અને સંઘર્ષથી ભરેલો છે. પરંતુ મારે ગુરુદેવને પૂછવું છે કે આવા ઉત્કૃષ્ટ સાધુધર્મનું પાલન કરવાની તારામાં ક્ષમતા છે ખરી? કુમાર, આ ગુરુદેવ અંતર્યામી છે. તેઓ આપણી શક્તિઅશક્તિને સાચી રીતે જાણી શકે. તેઓ જો તારામાં એવી શક્તિ જોતા હોય તો વત્સ, હું તારા માર્ગમાં વિઘ્ન નહીં જ કરું, હૈયાના હેતથી વિદાય આપીશ.” | પિતા અને પુત્રે ગુરુદેવ તરફ દૃષ્ટિ સ્થિર કરી.
ગુરુદેવના મુખ પર સ્મિત રેલાયું. તેઓ બોલ્યા : “બ્રહ્મદત, તમે યોગ્ય વિચાર કર્યો. કાર્ય શુભ હોય, સારું હોય, હિતકારી હોય, પરંતુ એ કાર્ય સિદ્ધ કરવાની મનુષ્યમાં શક્તિ જોઈએ. કાર્યને પરિપૂર્ણ કરવાનું સામર્થ્ય જોઈએ. દુનિયામાં મોટા ભાગે લોકો “આરંભે શૂરા હોય છે. તેઓ કાર્યસિદ્ધિ નથી કરી શકતા, તેમનો ઉત્સાહ ઓસરી જાય છે અને અધવચ્ચે જ કાર્ય છોડી દે છે. તમે અનુભવી પુરુષ છો. તમે દુનિયામાં આવા માણસોને જોયા છે, એટલે તમે કુમાર માટે સાવધાન બનો, એ સ્વાભાવિક છે.
પરંતુ મહાનુભાવ! કુમારમાં જિનતત્ત્વોને સમજવા માટે સૂક્ષ્મ પ્રજ્ઞા છે. જિનવચનો પર દઢ શ્રદ્ધા છે. ગુરુ પ્રત્યે પૂર્ણ સમર્પણ છે. સાધુધર્મને સ્વીકારીને એને દોષરહિત પાલન કરવાની ક્ષમતા છે. મહામંત્રીજી, એની ઉપસ્થિતિમાં એના ગુણોને પ્રકાશિત ના કરવા જોઈએ, છતાં એટલા માટે પ્રકાશિત કરું છું કે એ મારી ધારણાઓને સમજે અને એ રીતે પોતાની યોગ્યતાને સિદ્ધ કરવા પ્રતિપળ જાગ્રત રહે.
સાધુધર્મનું પાલન કેવું કઠોર હોય છે એ મેં એને સમજાવ્યું છે. સમતાભાવે કેવાં કેવાં કણે સાધુએ સહવાનાં છે, એ વાત એને કહી છે. સાધુના જીવનમાં સુખશીલતા ન જ જોઈએ એ પણ એને સમજાવ્યું છે. એણે આ બધી વાતો સ્વસ્થ ચિત્તે સાંભળી છે, અને મનોમન એનું પાલન કરવાનો દઢ નિર્ધાર કરી લીધો છે. એ નિર્ધાર જીવનપર્યત અખંડ રહેશે... અવિચ્છિન્ન રહેશે...'
બ્રહ્મદત્તનું ચિત્ત સમાધાન પામ્યું. તેમણે ગુરુદેવને કહ્યું : “ભગવંત, શિખીને સાધુધર્મ આપવા માટે મારી અનુમતિ છે, પરંતુ હવે હું નગરમાં આઠ દિવસનો મહોત્સવ રચાવીશ. શિખી પાસે દીન-અનાથોને દાન અપાવરાવીશ. અને આઠમા દિવસે આપનાં ચરણોમાં એને સમપી દઈશ. અત્યારે અમને અનુજ્ઞા આપો. શિખીને લઈ, અમે નગરમાં જઈશું..” શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only