________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષાયાત્રા નાગદેવ ઉદ્યાનમાં પહોંચી. આજે ઉદ્યાનમાં મોટો માનવ મહેરામણ ઊમટ્યો હતો. પોતાનાં પ્રિય રાજા-રાણી સાધુધર્મ અંગીકાર કરવાનાં હતાં. આત્મકલ્યાણના માર્ગે પ્રયાણ કરવાના હતાં.. સહુ જનો મહારાજાની કલ્યાણકામના કરતા નાચી રહ્યા હતા.
ઉદ્યાનની રમણીય પુષ્કરિણીમાં રાજા-રાણીનો સ્નાનવિધિ સંપન્ન થયો. ત્યારબાદ જ્યાં આચાર્યશ્રી અમિતગતિ બિરાજમાન હતા, ત્યાં રાજા-રાણી પહોંચ્યાં. ગુરુદેવને ત્રણ પ્રદક્ષિણા દઈને ભાવપૂર્વક વંદના કરી. ગુરુદેવને પ્રાર્થના કરી :
ભદંત, અમને સાધુધર્મ આપીને ભવસાગરથી અમારો ઉદ્ધાર કરો.' ગુરુદેવે રાજા-રાણીને સાધુધર્મ અર્પણ કર્યો, સાધુવેશ અર્પણ કર્યો. રાણી શ્રીકાન્તા સાધ્વીછંદમાં શામિલ થઈ.
સિંહકુમારે અને કુસુમાવલીએ શ્રાવકધર્મનાં ૧૨ વ્રત અંગીકાર કર્યો. ગુરુદેવને વંદના કરી અને તેઓ રાજમહેલ તરફ પાછા ફર્યા.
કુસુમાવલીનું મુખ પીળું પડી ગયું હતું. એનું હૃદય ધડકતું હતું... શયનગૃહમાં જઈને પોતાનું મુખ બે હાથોથી ઢાંકીને તે પલંગમાં ઊંધી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સિહકુમાર એની પાછળ શયનગૃહમાં આવી ગયો હતો. પણ તે કુસુમાવલી પાસે ના બેઠો.. નીલપદ્મ પ્રાસાદ ઘેરી ઉદાસીથી લેપાઈ ગયો હતો. સર્વત્ર શૂન્યાવકાશ છવાઈ ગયો હતો. બધું ખાલી-ખાલી લાગતું હતું... હૃદયમાં પણ બધું ખાલી ખાલી લાગતું હતું. જ્યારે કે કુસુમાવલી જેવી શ્રેષ્ઠ પત્ની એની પાસે જ હતી. કુસમાવલીને શ્રીકાંતાનો વિરહ વ્યાકળ બનાવી રહ્યો હતો... ઉદ્વિગ્ન બનાવી રહ્યો હતો. તે રડી રહી હતી. બે ઘટિકા સુધી રોતી રહી.
કુમારે તેના માથે હાથ ફેરવતાં કહ્યું : “દેવી, હવે રુદન બંધ કરી. જે ભૂતકાળ બની ગયો. તેને ભૂલી જવાનો છે.'
કેવી રીતે ભુલાશે? શું માતાજી ભુલાશે? શું પિતાજી ભુલાશે? જેમ જેમ ભૂલવા જાઉં છું.... તેઓ વધુ ને વધુ આકર્ષે છે...'
મહારાણી, શ્રીકાન્તામાં આકર્ષણ હતું... તે આકર્ષણમાં સૌન્દર્ય હતું ને માધુર્ય હતું. જે કોઈ શ્રીકાત્તાની પાસે બેસતું તે પવિત્રતાને જોઈ શકતું હતું, અને પવિત્ર બની શકતું હતું. અલબત્ તેનામાં કવિત્વ નહોતું પરંતુ એનો સ્પષ્ટ અને નિશ્ચલ વાર્તાલાપ એના પ્રત્યે આદર પેદા કરતો હતો. શ્રીકાન્તા જેટલો સિંહકુમાર સાથે પ્રેમ કરતી હતી એનાથી વિશેષ કુસુમાવલી સાથે કરતી હતી.
શ્રી સમરાદિત્ય મહાકથા
૨૮૭
For Private And Personal Use Only