________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાત્રિ પૂરી થઈ હતી, પૂર્વદિશામાં અરુણોદય થયો હતો.
મારા જીવનનો આ અતિ રોમાંચક દિવસ હતો. હું પહેલીવાર જ દેવ-દેવીઓને પ્રત્યક્ષ જોતો હતો. ક્ષણભર મને લાગ્યું કે હું સ્વપ્ન જોઈ રહ્યો છું. મેં બે હાથે મારી આંખો ચોળી નાંખી... પરંતુ એ સ્વપ્ન ન હતું, વાસ્તવિકતા હતી.
દેવ-દેવીઓએ મુનિવરોની, મસ્તકે અંજલિ રચીને સ્તવના કરવા માંડી : “અહો, આપે મનુષ્યજીવન સફળ કર્યું. રાગ-દ્વેષનો ક્ષય કર્યો. કમ પર વિજય મેળવ્યો. કેવલ્યરત્નને પ્રાપ્ત કર્યું, ભવસાગરને આપ તરી ગયા... આત્માનું શાશ્વત સુખ પ્રાપ્ત કરી લીધું. સંસારનાં સર્વ દુઃખોથી આપ મુક્ત બન્યા.'
મને લાગ્યું કે હવે હું અહીં ઊભો નહીં રહી શકું. મારું શરીર રોમાંચિત થઈ ગયું હતું. મારી આંખોમાંથી હર્ષનાં આંસુ વહી રહ્યાં હતાં... મારા પગ ધ્રુજી રહ્યા હતા. હું એક બાજુએથી એ મુનિવરો તરફ થોડાં પગલાં ચાલ્યો... અને જમીન પર ઢળી પડ્યો... મેં વંદના કરી.
આંસુભીની છતાં વિસ્મયથી પહોળી થઈ ગયેલી આંખોએ મેં એ ચાર પ્રશાન્ત... વીતરાગ. સર્વજ્ઞ ભગવંતોનાં દર્શન કર્યા. એ ચારે મહામુનિવરોની કરુણામયી દષ્ટિ મારા પર સ્થિર થઈ હતી. હું ઊભો થયો... અને તેઓની સમક્ષ. નિકટ જઈને બેસી ગયો.
આકાશમાર્ગેથી હજારો દેવો ઊતરી આવ્યા હતા, અને નગરમાંથી હજારો મનુષ્ય ત્યાં આવી પહોંચ્યા હતા. સહુએ વંદના કરી લીધી, સ્તવના કરી લીધી. કોલાહલ શાન્ત થયો.. જ્યેષ્ઠ મુનિવરે ધર્મદેશના આપી.
મધુર. ગંભીર ધર્મદેશના સાંભળી સહુ દેવો અને મનુષ્યો આનંદિત થયા. હર્ષિત થયા. દેવોએ એમને પ્રશ્નો પૂછ્યા, મનુષ્યોએ એમની મૂંઝવણો પૂછી. કેવળજ્ઞાનીએ ઉત્તરો આપ્યા, સમાધાન કર્યા... અને દિવસનો એક પ્રહર પૂરો થયો.
દેવો અને મનુષ્યોના પ્રશ્નો સાંભળીને, મને પણ મારા મનમાં ઘોળાતો ને ક્યારેક ક્યારેક વ્યથિત કરતો એક પ્રશ્ન પૂછવાની ઇચ્છા થઈ. મેં ઊભા થઈ, મસ્તકે અંજલિ જોડી, વિનયથી પૂછ્યું :
ભગવંત, મારા મિત્ર વિભાવસુનું મૃત્યુ થઈ ગયું છે. કેટલાક મહિના પસાર થઈ ગયા છે. આપની કૃપાથી હું પરમાર્થ માર્ગને જાણનારો બન્યો છું, છતાં એ મિત્રનો વિયોગ મને હજુ સંતાપે છે, એનું કારણ શું? અને મારા એ મિત્ર મરીને ક્યાં... કઈ ગતિમાં ઉત્પન્ન થયો છે, એ મારે જાણવું છે....”
હું મારી જગાએ બેસી ગયો. કેવળજ્ઞાની મુનિવરે કહ્યું :
૧૧૪
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only