________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું ૧૨ N/
અશોકદર શ્રેષ્ઠીનું અશોકવન, ક્ષિતિપ્રતિષ્ઠિત નગરની શોભા હતી. રાજ્યના ઉદ્યાન કરતાં પણ એ ચઢિયાતું ઉઘાન હતું.
ન્યાય અને નીતિના પાલનના દઢ આગ્રહી રાજાઓના જીવનમાં જેમ કોઈ દોષનું છિદ્ર જોવા મળતું નથી તેવી રીતે એ ઉદ્યાનમાં આમ્રવૃક્ષોની ઘટામાં કોઈ સૂર્યકિરણને પ્રવેશવાનું છિદ્ર જોવા મળતું નથી!
જેમ પુરુષો પરસ્ત્રીની સામે નીચી દૃષ્ટિ રાખીને ઊભા રહે છે તેવી રીતે રમણીય વાવડીઓના કાંઠે વૃક્ષો નીચા નમીને ઊભાં હતાં.
સજ્જન પુરુષોની હૃદયભૂમિ પર જેમ ચિંતાઓ આડીઅવળી પથરાયેલી હોય છે તેમ એ ઉદ્યાનની ભૂમિ પર અતિમુક્તની લતાઓ આડી-અવળી પથરાયેલી હતી.
જેમ દરિદ્ર કામી-વિકારી પુરુષોનાં હૃદય-વ્યાકુળ હોય છે, તેમ એ ઉદ્યાનના લતામંડપ, વિલાસી પુરુષોના વિરહમાં વ્યાકુળ બનેલા હતા.
લાલ કસુંબી પહેરેલી નવવધૂ જેમ રાજમાર્ગ પર જતી શોભે છે તેમ એ ઉદ્યાનના રાજમાર્ગો પર અશોક-વૃક્ષો શોભતાં હતાં.
તથા હિમાલયનાં ઉત્તુંગ શિખરો જેવાં ઊંચાં અને ઉજ્વલ શિખરોવાળાં ભવ્ય જિનમંદિરોથી એ ઉદ્યાન શોભી રહ્યું હતું.
આવા અશોક-વનમાં, નિર્જીવ ભૂ-પ્રદેશમાં વિશાળ મુનિર્વાદ સાથે આચાર્યશ્રી વિજયસેન બિરાજેલા હતા. પ્રભાતના સમયમાં મુનિવરો સ્વાધ્યાય-ધ્યાનમાં લીન હતા, એ સમયે મહારાજા ગુણસને સપરિવાર એ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો.
તેમણે ચન્દ્ર જેવા સૌમ્ય આચાર્યનાં દર્શન કર્યા. રાજાને અત્યંત હર્ષ થયો. શરીર રોમાંચિત થઈ ગયું. આંખો આનંદાશ્રુથી ઊભરાઈ ગઈ. તેમણે આચાર્યને વિનયપૂર્વક પંચાંગ પ્રણિપાત કર્યો.
આચાર્ય વિજયસેને રાજાને “ધર્મલાભનો આશીર્વાદ આપ્યો, “ધર્મલાભ'નો શબ્દધ્વનિ કાને પડતાં ગુણસેનને લાગ્યું કે તેના શારીરિક અને માનસિક બધાં દુઃખો ચાલ્યાં ગયાં!
આચાર્યને વંદના કર્યા પછી, પરિવાર સહિત મહારાજાએ સર્વે મુનિવરોને ભાવપૂર્વક વંદના કરી, કુશળતા પૂછી, અને ત્યાર બાદ આચાર્યને પ્રણામ કરી, વિનયથી આચાર્યની સામે બેઠા. આચાર્યના અદૂભુત રૂપથી અને સ્વચ્છ ચારિત્રપાલનથી મહારાજા ખૂબ પ્રભાવિત થયા. તેમણે આચાર્યને પૂછ્યું :
“ભગવંત, મારા મનમાં એક જિજ્ઞાસા જાગી છે, આપની આજ્ઞા હોય તો એ જિજ્ઞાસા વ્યક્ત કરું.”
ભાગ-૧ % ભવ પહેલો
108
For Private And Personal Use Only