________________
વિરાગની મસ્તી
ધર્મશાળાનો મુસાફર માર્ગે પડ્યો! પંખીઓના મેળામાંથી એક પંખી ઊડી ગયું! વિમળના મૃત્યુથી સ્વજનોની આંખોમાંથી અનરાધાર આંસુ વહેવા લાગ્યાં. શેઠના મરણની વાત વાયુએ બગલમાં ઉપાડીને ચારેકોર દોટ મૂકી.
ખેડૂતોએ હળ પડતાં મૂક્યાં અને દોડ્યા! ચોધાર આંસુએ રોતા જાય છે અને દોડ્યા જાય છે. હળે બંધાયેલા બળદિયા પણ શેઠના મરણને પામી ગયા. એમણે ય હળ સાથે ગામ ભણી લંબાવ્યું!
વેપારીઓ દુકાન બંધ કરવા ય ન રહ્યા. બાઈઓએ રોટલા બળતા મૂક્યા, બધાંય દોડ્યા! કોઈની આંખ લૂછનાર કોઈ
ન મળે.
બધાંય ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. ફળિયાના કૂતરા રોવા લાગ્યા, ખીલે બાંધેલી શેઠની ભેંસો ખીલો તોડીને દોડી આવી. બધાયની આંખમાં આંસુ છે. કોણ નથી રડતું? માનવો જ રડે છે? ના. પશુઓ જ રડે છે? ના. પ્રકૃતિ પણ રડી રહી છે.
સર્વત્ર શૂન્યતા વ્યાપી ગઈ છે. સોની આંખમાં આંસુ ઉભરાયા છતાં એક વ્યક્તિની આંખો હજી આંસુથી પલળી પણ ન હતી. તેના મુખ ઉપરથી એમ લાગતું હતું કે કોઈ તત્ત્વજ્ઞાનની ઊંડાઈ માપવા ક્યાંક ઊંડે ઊતરી ગઈ હોવાથી શેઠના મરણની જાણે તેને જાણ જ થઈ નથી. તેના મુખ ઉપર ભારે ચિંતા તરવરતી હતી. લમણે હાથ દઈને તે વ્યક્તિ બેસી રહી હતી. એ વ્યક્તિ તે જીવરામદા. શેઠના મરણથી તે અજ્ઞાત ન હતા, પણ આંખો સામે ભજવાઈ ગયેલા એક જીવનના અંતની નિગૂઢ પ્રક્રિયાને જોઈને મરણનો તત્ત્વજ્ઞાનના સાગરના તળિયે.. ઊંડે.... ઊંડે.. ક્યાંક.. ગરકાવ થઈ ગયા હતા.
ગામના પ્રાણીમાત્રની આંખોમાં શ્રાવણ અને ભાદરવો હજાર હજારરૂપ ધારણ કરીને ઊતરી પડ્યા હતા. ઊતરે જ ને? વિમળનું મૃત્યુ ક્યાં થયું જ હતું? સુવર્ણગઢનો હીરો અદૃશ્ય થઈ ગયો હતો. દયાળુતાનો જીવતો જાગતો આદર્શ અલોપ થઈ ગયો હતો. હજી વિશ્વમાં ધનવાનો તો ઘણા જીવતા હતા એટલે વિમળ જેવો એક ધનવાન માણસ ચાલ્યો જાય તેમાં ગામને રડવા જેવું કશું ય ન હતું.
પક્ષીઓના આધાર સમો વડલો ધરણી ઉપર ઢળી પડે ત્યારે પોતાના સ્વાર્થ ઉપર લાગેલા ઘા માટે એ પક્ષીઓ રડે પણ કલાક બે કલાક! કેમ કે ગામમાં બીજા વડલા મળી રહે તેમ હતા. વડલા ન મળે તો ય લીંબડા તો હતા જ. પણ સુવર્ણગઢનું