________________
વિરાગની મસ્તી
એક એક માણસ દિવસો સુધી રડતું રહ્યું. કોઈને ખાવાનું પણ ભાવતું નથી, બોલવું ય ગમતું નથી. શેઠની ગાદી ઉપર શેઠ દેખાય છે. સ્વપ્નમાં ય શેઠ દેખાય છે. હજી પણ કોઈના માન્યામાં આવતું નથી કે શેઠ ગયા! આવી કરુણામય સ્થિતિને અનુભવતા એ ગ્રામજનો માટે કેમ કહી શકાય કે એ એમની નિરાધાર બનેલી દશાને રડતા હતા? ના... ના.... જરાય નહિ. એમને તો દુઃખ હતું, ગુણિયલ આત્માને ખોઈ નાંખ્યાનું! ઉદારચરિત સાધુપુરુષનાં દર્શન બંધ થયાનું!
ગામમાં એક જ દિવસે સો માણસ કદાચ મરી ગયા હોત તો ય જે ઘેરી ગમગીની ન વ્યાપી જાત તેવી ગમગીની આજે એકલા શેઠના જવાથી આખા ગામ ઉપર વ્યાપી ગઈ હતી. એકસામટા સો મૃત્યુના સખ્ત આઘાતથી પણ ઝાઝેરો હતો એ ગામને માટે વિમળના એક મૃત્યુનો આઘાત.