________________
૬૨
વિરાગની મસ્તી
કેમ છે?’’ વેપારી પણ તેલ-મરચું લેવા આવતા ઘરાકને પૂછી લેતો, ‘“ભાઈ શેઠના ઘ૨ તરફથી આવો છો ? શેઠને કેમ છે ?'' સહુના મનમાં એક જ ચિંતા હતી, શેઠને કેમ હશે ?
બપોરના બાર વાગ્યા હતા. એ દિવસે શેઠે અષ્ટમીનો ઉપવાસ કર્યો હતો. બધુંય કાર્ય સંપૂર્ણ કરીને શુભ ભાવનામાં રમતા શેઠ સ્વસ્થ થઈને બેઠા થયા. હાથમાં માળા લીધી. અરિહંત પરમાત્માનો જપ કરવા લાગ્યા. પાંચ માળા પૂરી કરી. શેઠનાં સગા-વહાલા ટોળું વળીને બેઠાં હતાં. શેઠે ખોંખારો ખાઈને કહ્યું, ‘‘સાંભળો.’’ સહુ શેઠને સાંભળવા સજાગ થઈ ગયા. “મારા ગયા પછી કોઈએ રોકકળ કરવી નહિ, છાતી કૂટવી નહિ, મોં વાળવું નહિ. એમ કરવાથી પીંજરમાંથી ઊડી ગયેલો હંસલો પાછો આવતો નથી. ઉ૫૨થી એવા અશુભ ધ્યાનથી આત્માને કર્મનો લેપ લાગે છે. હવે તમને અને આખા ગામના સઘળા ય લોકોને, સમગ્ર વિશ્વના સર્વ જંતુઓને ઉદ્દેશીને હું કહું છું કે મારા તરફથી કોઈને પણ મેં જરીકે દુભાવ્યા હોય, પજવ્યા હોય, ત્રાસ આપ્યો હોય કે કાંઈ પણ અશુભ કર્યું હોય તો હું તેની માફી માગું છું...'' બોલતાં બોલતાં શેઠની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. સ્વજનો રડવા લાગ્યા, શેઠે આગળ ચલાવ્યું. “તમે બધા ય મને પણ ક્ષમા આપો. આ વિશ્વમાં મારા સર્વ મિત્રો છે મને કોઈ સાથે વેર નથી.
અરિહંતોનું મને શરણ હો.
સિદ્ધોનું મને શરણ હો.
સાધુ ભગવંતોનું મને શરણ હો.
વીતરાગ-સર્વજ્ઞોના ધર્મનું શરણ હો.
સહુ ખૂબ ધર્મધ્યાન કરજો. લો ત્યારે, હ...વે... જા........ છું,'' આટલું કહીને શેઠ જંપી ગયા. ચિર નિદ્રાની શાંત ગોદમાં પોઢી ગયા. શેઠની આંખોના અર્ધોમીલિત પોપચાં જાણે કશુંક કહી રહ્યાં હતાં. દેહના પીંજરમાંથી આંખોના બારણા વાટે સદ્ગતિના પ્રવાસે ઊડેલા હંસલાની પાવનકથા સિવાય બીજું શું હોઈ શકે એ પોપચાની કથામાં ?
ફાટી ગયેલાં વસ્ત્રો ઉતારી નાંખીને નવાં વસ્ત્રો ધારણ કરવા શેઠનો આત્મા ચાલી નીકળ્યો.
પ્રકૃતિમૈયાંએ જીવવના એક સ્તનનું ધાવણ આપવાનું બંધ કર્યું તો બાળકે હવે મરણના એના બીજા સ્તનને ધાવવાનું શરૂ કર્યું.