________________
વિરાગની મસ્તી
[૯]
એક દિવસ સવારના પહોરમાં શેઠે દા'ને બોલાવવા માણસ મોકલ્યો. દા' ઝડપથી આવ્યા. શેઠે કહ્યું, “દા' હવે દીપક બુઝાવવાની તૈયારીમાં છે. ત્રણ દિવસથી વધારે પહોંચે તેટલું તેલ જણાતું નથી. મારી ઈચ્છા છે કે આજથી હું છૂટા હાથે દાન કરું. તમે મારી બાજુમાં બેસો અને હું કહું તે બધાયને બોલાવતા જાઓ.”
શેઠે એક પછી એકને યાદ કરી કરીને બોલાવ્યા. મોતીને બોલાવીને પાંચ મણ અનાજ આપ્યું. લાલાને તેનાં ચાર બાળકો માટે કપડાં આપ્યાં. જીવી ડોશીને સો રૂપિયા આપ્યા, ચમન ચમારને એક ઘર રહેવા આપ્યું, શામલા ખેડૂને પાંચ વીઘા જમીન આપી, રામલાને ક્યાંક નોકરીએ ગોઠવી દીધો. શેઠની સ્મૃતિમાં જે જે આવ્યા તે બધાયને શેઠે ખોબા ભરીભરીને દીધું. બે દિવસ વીત્યા. ત્રીજો દિવસ ઊગ્યો, ખેર, ઊગેલો દિવસ સાંજે આથમે જ છે. પણ આજે એ અસ્તમાં એક અશુભ ભયની લાગણી ઝઝૂમી રહી હતી. મંગળ કરુણાની શીતળ પ્રભાથી ઓપતા વિમળના જીવનસૂર્યનો પણ કદાચ અસ્ત થઈ જાય.
શેઠે દા'ને કહ્યું, “ધાર્મિક ખાતાઓની નોંધ કરો.” દા'એ બધાં ખાતાંની સૂચી કરી. પછી શેઠના કહ્યા મુજબ બધી રકમો લખી દીધી. શેઠ કાંઈક અસ્વસ્થ થતા જણાયા. ગામમાં સહુને જાણ થઈ. ધીરે ધીરે તો શેઠના મકાનમાં ઠઠ જામી ગઈ. આખી રાત સહુ ત્યાં જ બેસી રહ્યા. શ્વાસ ચાલતો હતો. ડોશીઓએ માનતાઓ માની, જુવાનિયા પણ આખડીઓ લેવા લાગ્યા. શેઠનું સ્વાથ્ય સારું થઈ જાઓ એવી ભાવના સહુ ભાવવા લાગ્યા.
ચોથા દિવસની સવાર પડી. દા'એ સહુને સમજાવીને ઘરે મોકલ્યા. લોકો પોતપોતાને ઘેર ગયા. ખાધું પીધું પણ કોઈને ય કશુંય ભાવતું નથી. ખેડૂતો ભારે પગલે ખેતરમાં ગયા; વેપારી ઊંચે મને દુકાને ગયા; બેડાં લઈલઈને પનીહારીઓ કૂવે જવા લાગી પણ સહુના હૈયાં તો શેઠને ત્યાં જ હતાં. પળે પળે બધાંય વિચારતાં “શેઠને કેમ હશે ?'
રસ્તેથી નીકળતા માણસને ખેડૂત બૂમ પાડીને ઊભો રાખતો અને પૂછતો, “ભાઈ, ગામમાંથી આવો છો ને? શેઠને કેમ છે?” કૂવેથી પાછી ફરતી પનીહારીઓ પાણી ભરવા માટે સામેથી આવતી પનીહારીને પૂછી લેવા અધીરી બનતી, “શેઠને