________________
વિરાગની મસ્તી
૪૩
“પ્રભો! ત્યારે આપ તો અજાતશત્રુ સમા! સર્વના મિત્ર! સર્વને પોતાનો જ અંશ માનનારા! એટલે કે એ બધાય દર્શનો આપના દર્શનરૂપ શરીરનાં જુદાં જુદાં અંગો જ બન્યાં! અહા કેટલી ઉદાર દૃષ્ટિ! કેવી સર્વતોમુખી સમજણ! કેવો સર્વદર્શન સમભાવ! તો, પ્રભો! આપના વીતરાગ સર્વજ્ઞ અને બીજા બધાના સર્વજ્ઞો તો તે જ કહેવાય કે જેમણે રાગદ્વેષથી મુક્ત થઈને અનંત જ્ઞાનપ્રકાશની પ્રાપ્તિ કરી હોય, આટલું તો બરાબર છે ને? કેમકે પ્રભો! રાગી કે દ્વેષી ભગવાન શેના? અને તેનામાં અનંત આત્મપ્રકાશ પ્રગટે ય શાનો, કેમ વારું?” મુનિરાજ બોલ્યા, “હા જરૂર. શુદ્ધાત્મસ્વરૂપ સર્વજ્ઞને સહુ માને છે એમ કહેવાય. પછી ભલે તે સર્વજ્ઞને કોઈ બુદ્ધ કહે, કોઈ જિન કે કોઈ શિવ કહે, આપણને નામ સાથે કશો વાંધો નથી.”
દા' તો આ બધું સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા! કેટલી વિશાળ દૃષ્ટિ! કેવું અભુત નિરૂપણ ! અહીં બીજાઓને તોડી પાડવાની, ખાંડવાની તો જાણે વાત જ નથી ! પ્રભો! પ્રભો! શું આ બધી વાત આપના ધર્મગ્રંથોમાં કહેલી છે?”
ગુરુદેવે સ્મિત કરતાં કહ્યું, ધર્મગ્રંથોમાં ન કહેલી વાતોનો એક હરફ પણ ઉચ્ચારવા અમે સર્વથા લાચાર છીએ. “આપણા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી મહારાજાએ સ્પષ્ટ કહ્યું છે કે આ સંસારને જન્મ દેતા રાગ, રોષ, મોહ જેના ટળી ગયા હોય તે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, હર હોય કે જિન હોય ગમે તે હોય હું તેમને નમસ્કાર કરું છું! પૂ. હરિભદ્રસૂરિજી મહારાજાએ પણ કહ્યું છે કે, “મને મહાવીરદેવ તરફ પક્ષપાત નથી કે નથી કપિલમુનિ તરફ દ્વેષ. જેનું પણ વચન યુક્તિયુક્ત હોય તેનું વચન મને સર્વથા માન્ય છે.'
દા' બોલી ઊઠ્યા, “વાહ વાહ કેવી પરમ-ઉદાર દૃષ્ટિ! હવે પ્રભો! એક જ વાત આપને પૂછી લઉં કે આપ બીજાં દર્શનોની જેમ ઈશ્વરને જગતનો કર્તા માનો છો કે નહીં? મેં તો સાંભળ્યું છે કે આપ ઈશ્વરને જગતકર્તા માનતા નથી, જો તેમ જ હોય તો પ્રશ્ન થાય કે પૂર્વે આપે કહ્યું કે દરેકની વાતને કદાગ્રહ વિનાની કરો તો તે આપની જ વાત બને છે તે હવે શી રીતે સમજવું? કોઈ પણ દૃષ્ટિએ ઈશ્વરને જગતકર્તા કહેનાર ધર્મને આપે સાચો તો કહેવો જ રહ્યો ને? તેની દૃષ્ટિએ તો દરેક સાચો છે ને?
ગુરુદેવે પ્રત્યુત્તર આપ્યો, “દા'! તમારો પ્રશ્ન તદ્દન યથાર્થ છે. ઈશ્વરકર્તુત્વનો મત પણ અમુક દૃષ્ટિએ ઘટાવીને અમે પણ જરૂર માનીશું. પૂ. હરિભદ્રસૂરિજી મહારાજાએ કહ્યું છે કે પરમાત્મા ઈશ્વરે બતાવેલા માર્ગનું સેવન કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે માટે મુકિતના દાતા ઈશ્વર છે એમ વ્યવહારથી કહી શકાય, અને