________________
४४
વિરાગની મસ્તી
ઈશ્વરે બતાવેલ માર્ગનું સેવન નહિ કરવાથી સંસાર ઊભો થાય છે માટે તે ઈશ્વરનો ઉપદેશ નહિ માન્યાની સજા છે એમ પણ વ્યવહારથી કહી શકાય. અમારા ધર્મગ્રંથોમાં પણ કહ્યું છે કે જેઓને ઈશ્વરના જગત્ કર્તૃત્વમાં વિશેષ આદર હોય તેઓને નયપ્રમાણના જાણકારે તે રીતની ઈશ્વરકર્તુત્વની દેશના આપવી.”
પ્રભો! આપના ધર્મગ્રંથોની આ વિરાટ ઉદાર દૃષ્ટિની તો હું શી પ્રશંસા કરું? પણ હવે એક નવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે આપે કહ્યું કે વ્યવહારથી ઈશ્વરને જગત્કર્તા માનવો, એટલે શું આપ એમ કહો છો કે ઈશ્વરમાં વસ્તુતઃ જગતકતૃત્વ નથી પણ છતાં તેમાં અમુક દૃષ્ટિએ આરોપ કરી શકાય?”
ગુરુદેવે કહ્યું, “હા ભાગ્યવંત! અમારું કહેવું તેમ જ છે છતાં તમે ઈશ્વરમાં જગતકર્તુત્વને કહેતાં વાક્યોને તેવા આરોપ વિના, વસ્તુસ્થિતિ જ તેવી છે એ રીતે ઘટના કરવાનું ઈચ્છતા હો તો તેમ પણ કહી શકાય. અમારા ધર્મગ્રંથોમાં કહ્યું છે કે આપણો આત્મા જ પરમેશ્વરયુક્ત છે માટે ઈશ્વર છે. અને આ જીવાત્મારૂપ ઈશ્વર સર્વ પ્રકારની ક્રિયાઓ કરે છે માટે તે સાચે જ જગત્કર્તા છે.”
પ્રભો! એ પણ બહુ સુંદર કહ્યું, પણ જે ઈશ્વર બ્રહ્મસ્વરૂપ છે. શુદ્ધ, બુદ્ધ, મુક્ત છે તે જ ઈશ્વર જગત્કર્તા છે, એવું ભગવાન મનુ વગેરેએ જે કહ્યું છે તે તો આપે ન જ સ્વીકાર્યું ને? એ જ રીતે કપિલમુનિનો પ્રકૃતિવાદ, ભગવાન બુદ્ધનો ક્ષણિકવાદ, વેદાન્તીઓનો અદ્વૈતવાદ વગેરે ઉપર તેઓનાં શાસ્ત્રોમાં જે રીતે જે વસ્તુ કહી છે તે રીતે તો આપ ન જ માનો ને? તો પછી મને પ્રશ્ન થાય છે કે તેવું પ્રતિપાદન કરનારા તે કપિલ બુદ્ધ વગેરે મહર્ષિઓએ અસત્યનું પ્રતિપાદન કર્યું?”
ગુરુદેવે કહ્યું, “ના તેમ તો ન કહેવાય. તે તે મહર્ષિઓએ તે તે વાત સંસારી જીવોના આધ્યાત્મિક વિકાસને નજરમાં રાખીને કરી હતી એવું અમારું મંતવ્ય છે. અમારા ધર્મગ્રંથમાં કહ્યું છે કે, જ્યાં જ્યાં ઈશ્વરને જગત્ કર્તા કહેવામાં આવ્યો હોય ત્યાં ત્યાં પોતાના જ આત્માને ઈશ્વર તરીકે લઈને અર્થ કરવો પણ બ્રહ્મસ્વરૂપ ઈશ્વરને સમજીને નહિ. પરમાર્થ દૃષ્ટિએ બ્રહ્મસ્વરૂપ ઈશ્વરને જગકર્તા કોઈ પણ શાસ્ત્રકાર મનાવી શકે નહિ, કારણ કે શાસ્ત્રકાર ઋષિ મહાત્માઓ ઘણા ભાગે પરમાર્થ દૃષ્ટિવાળા અને લોકોપકારની વૃત્તિવાળા હોય છે, માટે તેઓ અયુક્ત પ્રમાણાબાધિત ઉપદેશ કેમ કરી શકે? તેમના કથનનું રહસ્ય સમજવા કોશિશ કરવી જોઈએ કે કયા આશયથી તેઓ તે વાત કહે છે.
પ્રકૃતિવાદને કહેતાં કપિલમુનિને પણ તેમના રહસ્યની વિચારણા કરવાપૂર્વક અમારા શાસ્ત્રકારોએ સાચા જ કહ્યા છે.