________________
વિરાગની મસ્તી
ગુરુદેવે હસતાં હસતાં કહ્યું, “હા, કેમ કે વસ્તુસ્થિતિ જ તેવી છે તો તેમ શા માટે ન કહેવું? અમે તો માત્ર તેમના આગ્રહને જ ખોટો કહીએ. વીતરાગ પરમાત્માએ તો ઘોર અને ઉગ્ર સાધના દ્વારા પોતાના આત્માનાં આવરણો ખસી જતાં થયેલા પ્રકાશમાં જગતનું જે સ્વરૂપદર્શન કર્યું તે કહ્યું. તેમણે નવું કશું ય કહ્યું નથી.” “પ્રભો! તો હવે એમ ન કહેવાય કે વીતરાગ- સર્વજ્ઞનું દર્શન એટલે બધાં દર્શનોની માન્યતાનો શંભુમેળો ?'
“ના. વીતરાગ-સર્વજ્ઞનું દર્શન બધાં દર્શનોનો શંભુમેળો નથી કિન્તુ વીતરાગસર્વજ્ઞના દર્શનરૂપ વિશાળ નદીમાંથી નીકળેલા એ બધાં નાનાં ઝરણાં છે. વીતરાગસર્વજ્ઞના દર્શનની વાતોને આગ્રહપૂર્વક પકડી લેવાથી નવા દર્શનનો જન્મ થાય છે. એટલે એ બધા કદાગ્રહમુક્ત દર્શનો વીતરાગ-સર્વજ્ઞના દર્શનના જ અંશ છે એમ બેશક કહી શકાય. જે વાત કદાગ્રહથી કલંકિત બને છે તે ત્યાંથી છૂટી પડે છે અને કદાગ્રહમુક્ત તે વાત તો વીતરાગ દર્શનની જ વાત છે. દરેક દર્શન એ વેરાયેલો મણકો છે. જ્યારે વીતરાગદર્શન એ મણકાઓની માળા છે.”
અહો! પ્રભો! ત્યારે શું આપ એ સઘળાયને પોતાનામાં સમાવી લો છો? આપ કોઈનાય વિરોધી નથી?”
ના. જરાય નહિ. વીતરાગ સર્વજ્ઞ તો ન્યાયાધીશ છે. પરસ્પર ઝઘડતાં એ બધા ય દર્શનને સમજાવતાં કહે છે કે ભાઈઓ, તમે દરેક તમારી પોતાની દૃષ્ટિએ સાચા છો પણ બીજાની દૃષ્ટિએ જે બીજા પણ સાચા છે તેમને તદ્દન જુઠ્ઠા કહી દો છો તે જ તદ્દન ખોટું છે. તમે દરેક તમારી દૃષ્ટિએ સાચા છો અને તમે દરેક બીજાની દૃષ્ટિએ ખોટા છો આટલી વાત બરાબર સમજી લો અને પછી બીજાની દૃષ્ટિએ તેમની વાત વિચારશો તો તમને જણાઈ આવશે કે તમારી જેમ તેઓ પણ તેમની દૃષ્ટિએ તો સાચા જ છે.
પર્વતની તળેટીએ ઊભેલો માણસ બીજા માણસોને પાંચ ફૂટના જુએ અને પર્વતની ટોચે ઊભેલો માણસ તે જ માણસોને વહેંતિયા જેવડા જુએ તો બે ય માણસ પોતપોતાની દૃષ્ટિએ સાચા ગણાય. એ બે પોતાની વાતને પકડીને બીજાની સાથે ઝઘડે તો કેટલું ખોટું કહેવાય? તળેટીનો માણસ ટોચ ઉપર જઈને તે માણસોને જુએ અને ટોચનો માણસ તળેટીએ આવીને તે માણસને જુએ તો બંનેને તરત જ એમ લાગે કે બીજો માણસ પણ તેની દૃષ્ટિએ સાચો જ હતો. આ રીતે વીતરાગસર્વજ્ઞ ન્યાયાધીશ, બધાયને સમજાવીને પોતાના માર્ગ ઉપર લાવી દઈને સહુની સાથે મૈત્રી સાધે છે અને સહુને પરસ્પર મિત્રો બનાવે છે.”