________________
વિરાગની મસ્તી
બીજે દિવસે દા'એ વિમળશેઠને સઘળી વાત કરી ત્યારે શેઠે કહ્યું, તમારા એ પ્રશ્નને ઉકેલવા જોગું મારું ભેજાં નથી પણ મને ખબર છે કે જૈન ધર્મમાં આ વિષે બહુ સુંદર વિચારણા કરી છે, માટે હવે કોઈ જૈન સાધુ મહાત્મા આવે ત્યારે વાત.
દા' કોઈ સાધુના આગમનની રાહ જોતા દિવસો ગણે છે. એમને વધુ રાહ જોવી ન પડી. ગામડેગામડે પગપાળા જ ચાલ્યા જતા લોકોને સન્માર્ગની સમજણ આપતા જૈન સાધુઓ એક દી' સુવર્ણગઢમાં આવી ચડ્યા. શેઠે દા'ને ખબર મોકલ્યા. પુત્રજન્મની વધામણી જેટલો આનંદ દા'ને થયો. ઝટ હાથમાં લાકડી લેતા એ ઊપડ્યા. શિષ્ટાચારપૂર્વક બેઠા. કેટલીક ધર્મચર્ચા કરી અને પછી દા'એ પૂછ્યું: “ગુરુદેવ, આત્મા નિત્ય કે અનિત્ય? દેહથી ભિન્ન કે અભિન્ન?” ગુરુદેવે પ્રત્યુત્તર આપ્યો, “મહાનુભાવ! નિત્ય પણ ખરો; અનિત્ય પણ ખરો. દેહથી ભિન્ન પણ ખરો અને અભિન્ન પણ ખરો.” આટલું સાંભળતાં જ દા'ના અંતરમાં અપાર આનંદ છવાઈ ગયો. તે જ વાતને લગતી પોતાની આખી વિચારણા કહી તે સાંભળીને મુનિ પણ ખુશ થઈ ગયા. અને બોલ્યા: “દા' તમારી વિચારણા તદ્દન બરોબર છે. તમારી તીક્ષ્ણ બુદ્ધિને મારા ધન્યવાદ!”
“તો પછી ગુરુદેવ!” દા'એ કહ્યું: “બીજા બધા ધર્મવાળાના સિદ્ધાંતો તદ્દન ખોટા જ ને?” ગુરુદેવે કહ્યું: “ના દા'! એમના સિદ્ધાંત ખોટા નહિ પરંતુ એ સિદ્ધાંત માટેનો એમનો જે કદાગ્રહ તે જ ખોટો. કોઈ કહે કે આત્મા નિત્ય છે અથવા કોઈ કહે કે આત્મા અનિત્ય છે, તો તેથી તે થોડો જ ખોટો કહેવાય? પણ જ્યારે તે સિદ્ધાંતનો કદાગ્રહ કરે અને કહે કે આત્મા નિત્ય છે એટલે નિત્ય જ છે. અનિત્ય છે જ નહિ. અનિત્ય કહેનારો ખોટો જ છે. ત્યારે આપણે કહેવું પડે કે તેનો આ કદાગ્રહ ખોટો છે. આ જ રીતે આત્માને અનિત્ય કહેનારો અનિત્ય જ કહે. નિત્ય કહેનારને જૂઠો કહે તો તે ય ખોટું.”
આવું સાંભળતાં દા'ને તો આજે કાંઈક ઓર જ મજા પડતી હતી. તે બોલ્યા, “તો શું ગુરુદેવ! તેઓ જેમ બીજાને જૂઠા કહે તેમ આપ કોઈને ય જજૂઠા ન કહો? નિત્ય કહેનારને સાચો કહો અને અનિત્ય કહેનારને પણ સાચો કહો?”