________________
વિરાગની મસ્તી
[૪]
જયારથી જીવરામદા” આ ગામડામાં આવ્યા ત્યારથી તેમણે સત્સંગ અને સદ્વાંચનને જીવનમાં ખૂબ મહત્ત્વનું સ્થાન આપ્યું હતું. બીજી બાજુ એમની એક મહત્ત્વાકાંક્ષા હતી. સુવર્ણગઢને આદર્શ ગ્રામ તરીકે જોવાની. તેથી જ તેમણે રોજ રાત્રે “ધર્મસભા'નું આયોજન કર્યું હતું. અને તેમાં બાળથી માંડીને વૃદ્ધ સુધીના બધાય સ્ત્રીપુરુષોને ભેગા કરતા. સહુને તેમની પાત્રતા મુજબના નૈતિક અને આધ્યાત્મિક ધોરણે વાતો સંભળાવતા.
દા” માત્ર ધર્મતત્ત્વના અચ્છા જાણકાર ન હતા પણ તેઓ રાજનીતિના અવનવા દાવપેચોના પણ પૂરા માહિતગાર હતા. જગત ક્યાં જઈ રહ્યું છે? એની કાયાપલટની પ્રક્રિયા કેટલી ઝડપથી થઈ રહી છે? એમાં જીવના જીવનનો કેવો વિનાશ વેરાઈ રહ્યો છે? વગેરે વગેરે પ્રશ્નોને સેંકડો લોકો સુધી એમણે શાન્ત ચિત્તે વિચાર્યા હતા. ધર્મગ્રન્થોના વિષયમાં દા”નું વાંચન મુખ્યત્વે તો સાંખ્ય, યોગ, મીમાંસા, વેદાન્ત અને બૌદ્ધદર્શન અંગેનું હતું. એમાંનું ઘણું ઘણું એમને ગમતું પણ એ બધાય દર્શનોની એક વાત તેમને ખૂબ જ ખૂંચતી. તે એ કે, જે કોઈ વાતનું તે દર્શનો પ્રતિપાદન કરે તેમાં ભારે કદાગ્રહ દાખવે. પોતાની જ વાત સાચી છે, બીજા બધા જુઠ્ઠા છે' એવું દરેક દર્શનનું પ્રતિપાદન તેમને ખૂબ જ કડવાશભર્યું લાગતું. વિરોધી વાતોમાં બેય પોતપોતાને સાચી કહીને એકબીજાને ખોટા કહેવાનું સાહસ કરી દે એટલે દા” તો ખૂબ જ અકળાઈ જતા. બેયની વાતો દલીલોથી ભરપૂર હોય. એટલે એમને મુઝારો થતો કે સાચું શું? આત્મા અંગે જુદા જુદા દર્શનો જુદા જુદા વિરોધી વિચારો રજૂ કરે. વેદાન્ત દર્શન કહે આત્મા નિત્ય એટલે નિત્ય જ. એનામાં કોઈ ક્રિયા પણ સંભવે નહિ. કેમ કે ક્રિયા તો અનિત્ય છે, એટલે ક્રિયાનો નાશ થતા તે ક્રિયાવાળા આત્માનો પણ નાશ થઈ જાય, તો પછી આત્મા નિત્ય ક્યાં રહ્યો? માટે નિત્ય એટલે નિત્ય જ, ક્રિયાવાળો પણ નહિ એવો નિત્ય.
જીવરામદા” આ વિચારને પચાવવા ખૂબ યત્ન કરતા, પરંતુ તેમાં તેમને સફળતા મળતી નહિ. ક્રિયા વિનાનો આત્મા પરલોકમાં જાય શી રીતે? શરીરને બનાવે શી રીતે ? વગેરે અનેક પ્રશ્નો ઊઠતા અને તેમને લાગતું કે આત્માને આ દૃષ્ટિએ અનિત્ય કેમ ન મનાય ?