________________
વિરાગની મસ્તી
બોદ્ધદર્શન વાંચવા લીધું. તેમાં તેમણે વાંચ્યું કે “આત્મા અનિત્ય છે.” આટલું વાંચીને જ દા' પ્રસન્ન થઈ ગયા. જે મારા મનમાં સ્ફર્યું હતું કે, “આત્મામાં પરલોકગમન વગેરે ક્રિયાઓ તો છે જ, અને તે ક્રિયાઓ નાશ પણ પામે છે માટે આત્માને અનિત્ય માનવો જોઈએ તે જ વાત અહીં આવી! “પણ આ આનંદ ક્ષણજીવી નીવડતો. કેમકે એ બૌદ્ધદર્શનમાં એવું વિધાન મળતું કે આત્મા અનિત્ય એટલે માત્ર ક્રિયાવાળો હોઈને અનિત્ય નહિ પરંતુ એ તો દરેક ક્ષણે સર્વથા વિનાશ પામે છે અને ફરી પાછો પછી પછીની ક્ષણે ઉત્પન્ન થઈ જાય છે !'
દા' વિચારે ચડી જતા. રે! જો દરેક આત્મા વગેરે પદાર્થ ક્ષણે ક્ષણે પોતાની મેળે જ વિનાશ પામી જતો હોય તો પોતે જ પોતાની હિંસા કરે છે ને? બીજો કોઈ પણ પદાર્થ એની હિંસા કરી જ ન શકે ને? તો પછી હિંસા-હિંસક વગેરે બધું શું કહેવાય છે? અને જો હિંસા જ ન હોય તો અહિંસા શું વસ્તુ છે? અહિંસાને ધર્મ કેમ કહેવાય? હિંસા જો અધર્મ કહેવાતો હોય તો જ અહિંસા એ ધર્મ કહેવાય ને? અને જો અહિંસા ધર્મ ન હોય તો વેલાને વાડ જેવા સત્ય વગેરે ધર્મો ય ક્યાંથી ઊભા રહેશે? અને જો આ રીતે કોઈ ધર્મનું જ અસ્તિત્વ ન હોય તો બુદ્ધ ધર્મ પણ શે” ઊભો રહેશે ?
તો હવે આત્માને સર્વથા નિત્ય માનવો? કે સર્વથા અનિત્ય એકે ય વાત બંધબેસતી આવતી નથી.
વળી કોઈ કહેતું કે આત્મા એ જ દેહ છે. દેહથી જાદો કોઈ આત્મા છે જ નહિ. આ વાત પણ તેમના મગજમાં બેસતી નહિ. તેમના મનમાં એવો પ્રશ્ન ઊઠતો કે જો દેહ અને આત્મા એક જ હોય તો બાલ્યવયના નાનકડા દેહનો પ્રૌઢવયમાં તો નાશ જ થઈ ગયો હોય છે, તો શું બાલ્યવયનો દેહરૂપ આત્મા તદ્દન નાશ પામી ગયો? વળી મડદું બળી જાય છે તે વખતે દેહસ્વરૂપ આત્મા ય બળી જતો હશે? કેમ કે દેહ તે જ આત્મા છે! ના. ના. તો તો પરલોકમાં કોણ જાય? પૂર્વભવોની માન્યતાનું શું થાય? માટે દેહથી આત્મા ભિન્ન માનવો જોઈએ એ જ ઠીક લાગે છે પણ પાછા વિચારે ચઢતા એમને પ્રશ્ન થતો કે જો દેહમાં આત્મા તદ્દન જુદો જ રહેતો હોય અને દેહ સાથે તેને કાંઈ જ સંબંધ ન હોય તો જડ દેહને કોઈ સોય અડાડે ત્યારે એકદમ દુઃખની લાગણી થાય છે, કોઈ ચંદન લગાડે તો આનંદની લાગણી થાય છે તે બધું શું? જડ દેહને તો સુખદુઃખની લાગણી થાય જ નહિ અને જડ દેહને જો તેવી લાગણી થતી હોય તો પછી આ જડ લાકડીને પણ સુખદુ:ખ થવા જોઈએ અને સુખદુઃખની લાગણી તો ચેતનને જ થાય તેવું જાણવા મળ્યું છે. એટલે દેહ એ જ