________________
વિરાગની મસ્તી
૩૫
કલાક બે કલાક સાંભળીએ ત્યાં તો અમારું દિલ ખુશ થઈ જાય. આ ઘરે ગયા કે ખાટલે પડતાની સાથે જ પ્રભુસ્મરણ કરતાં ઘસઘસાટ ઊંઘી જઈએ, સીધી સવાર જ પડે. અમારે તમારી જેમ કલાક-બે કલાક સુધી પથારીમાં આળોટવું પડતું નથી કે મનના કજિયા કરવાના હોતા નથી. માબાપ! તમે અહીં આવ્યા તો ભલે આવ્યા. ફરીફરીને આવજો પણ અમારી અરજી ધ્યાનમાં રાખજો કે કોઈ દી તમારી સરકાર પાસે અમારા ગામની દયા ન ખાતા અને દવાખાના, રેડિયો, સિનેમા, લાઈટ વગેરેની મંજૂરી ના લેતા. ખેર, તમને તો એમાં ધૂમ પૈસા ખાવા મળી જાય તેમ છે પણ અમારા ખાતર એટલું જતું કરજો.
શહેરીઓ તો આ બધું સાંભળીને સન્ન થઈ ગયા. પળભર તો એમને એમ થઈ ગયું, જ્ઞાની કોણ? આપણે કે આ ગ્રામજનો? સાચા દેશસેવક કોણ? જીવરામદા જેવા ધાર્મિક માનવો કે આજના પૈસાભૂખ્યા નેતાઓ? પ્રગતિ ક્યાં? આંધળી દોડધામમાં કે ઠરીને બેસવામાં? શું કરવું? પ્રાણવિહોણા ક્લેવરનું નવનિર્માણ કે ફ્લેવરને પ્રાણનું દાન?
શહેરી જુવાનિયા સમજી ગયા કે આ કહેવાતા ગામડિયાઓ બુધ્ધ નથી પણ ખરેખર સમજદાર માણસો છે. એમને આજના પ્રગતિવાદી જગતની બધી જાણ છે અને તે જાણ મેળવીને જ તેઓ સંતોષી અને શાંતિમય જીવનની ઉપાસનાના કટ્ટર પક્ષપાતી બન્યા છે, એટલે હવે એમના વિચારોમાં પરિવર્તન લાવવાનું અશક્ય છે. અરે! એમને સમજાવવા જતાં કદાચ એ લોકો આપણને જ સમજાવી દે તેટલા કાબેલ છે.
જુવાનિયાઓના જડબાતોડ જવાબોથી પરાસ્ત થઈ ગયેલી શહેરી ટોળી ચાલી ગઈ. જીવરામદાના પાણી પાયેલા આ નવયુવકોના મનમાં એક પણ નવા વિચારનો પ્રવેશ તો ન થયો પણ એમના વિચારોની કાંકરી પણ હાલી નહિ. ગામના લોકોએ આ વાત સાંભળી. દરેકની છાતી ગજગજ ફૂલવા લાગી. રંગ રાખ્યો અમારા જુવાનોએ. ભલે અમારો જમાનો જૂનો સુવર્ણગઢ ધૂળભેગો થઈ ગયો, પણ અમારા દા'એ નીતિમય જીવનના વિચારોને જે અભેદ્ય લોખંડી ગઢ અમારા મનની ચોમેર ફરતો ઊભો કર્યો એ જ અમારા સુવર્ણગઢની લોખંડી તાકાત છે.