________________
વિરાગની મસ્તી
અમે માત્ર અમારો ધર્મ જાણ્યો છે એમ નથી. આજના જગતમાં ચાલી રહેલો કારમો અધર્મ પણ જાણ્યો છે અને તેથી જ અમારા નીતિમય જીવન ઉપર અમને અખૂટ વિશ્વાસ બેઠો છે. અમારા મગજમાં એ વાત સજ્જડ બેસી ગઈ છે કે સંતોષ અને નીતિ વિના કદી સુખ મળી શકે તેમ નથી.
અરે! પણ દવાખાનું અને એકાદ હોસ્પિટલ તો તમારે જોઈશે ને?' એક ડોક્ટર સગૃહસ્થ અકળાઈને બોલી ઊઠ્યા! “માંદા પડશે ત્યારે શું કરશો? કોલેરા ફલુના ઉપદ્રવો ફેલાશે ત્યારે બધાને મરવા દેવા છે શું?” એક અલમસ્ત જુવાન ઊભો થઈ ગયો અને ડોક્ટર સાહેબને કહેવા લાગ્યો “જ્યાં રોગો હોય ત્યાં દવાડોક્ટરોની જરૂર પડે. રોગો થાય રસભૂખ્યાને! અમે એવા જીભના સબડકામાં માનતા જ નથી! અમે તો મજૂરી કરીને જીવનારા! તમારી જેમ રસ-ભૂખ્યા થઈએ તો અમારાં પેટ ન ભરાય અને અમારાં શરીર કામ પણ ન કરી શકે, અમારે તો બાજરાના રોટલા ને છાશ જ જોઈએ કે ઝટ જવાબ દે! સખત કામ કરનારને અને સાદું ભોજન લેનારને વળી દવા શી અને ડોક્ટર કેવો! રસરોગી શ્રીમંતોને જ એના શોખ પરવડે !
તમને પગે લાગીને કહીએ છીએ કે મહેરબાની કરીને એ પાપ અહીં ઊભાં ન કરતા! નહિ તો એ દવાઓ અને ડોક્ટરો રોગોને ઊભા કરી દેશે અને ડોક્ટરો એમના પેટ ભરવા અમારા પેટ ઉપર ચીરો મૂકશે! અમારી સુખાકારી લૂંટી લેશે. તમે લોકો દવા ખાઈને જ જીવનારા. દવા જ તમારો ખોરાક, ડૉક્ટર જ તમારો ભગવાન, એને જિવાડવો હોય તો જિવાડે નહિ તો ઝટ ફેંસલો લાવે. તમારે ત્યાં અનીતિના ધનના ઢગલા થાય, એને ખર્ચવા માટે એ રસ્તા ભલે મોકળા હોય, અમને એમાંનું કશુંય પાલવે તેમ નથી. તમારે માંદાં રહેવું એ પણ તમારા વૈભવવિલાસનાં પાપોમાંથી જન્મેલા વૈભવનો એક પ્રકાર જ છે.”
વળી કોઈકે કહ્યું, “સખત મજૂરી કરનારને સાંજ પડે મન હળવું કરવા મનોરંજનનું સાધન તો જોઈએ કે નહિ?”
ના, ભાઈ, ના. તમારે પેલા ચલચિત્રો અને ઓલા ટૅ ટૅ કરતા બાબલા જેવા ટ્રાન્ઝીસ્ટર રેડિયોની વાત કરવી છે ને? જવા દો ને એ દુનિયાની પંચાત, અમે તમારી જેમ થાકતા જ નથી. કેમ કે તમારી જેમ અમારાં મન પૈસાની પાછળ પાગલ બનતાં નથી, ભોગવિલાસોની પાછળ શરીરના સત્યને નીચોવી કાઢવાનું દા” એ અમને શીખવ્યું નથી. સાંજ પડે બે ગીતો લલકારતાં અમે ઘરભેગા થઈએ. વાળુ કરીને પ્રભુનાં મંદિરે જઈએ. રોજબરોજ નવી વાત, નવું જ્ઞાન અમને મળતું જાય.