________________
વિરાગની મસ્તી
૩૩
પણ આજે આ યંત્રયુગે કેટલાય લોકો ઉપર કૃપા વરસાવી છે તે કેમ જોતા નથી? હજારો લક્ષાધિપતિઓ ભારતમાં ઉભરાયા નથી શું?” એક શહેરી સગૃહસ્થ બોલી ઊઠ્યા.
તરત જ એનો વળતો જવાબ આપી દેવા સજ્જ બનેલો એક જુવાનિયો બોલી ઊઠ્યો, અમને નથી ખપતી તમારી સંપત્તિની શ્રીમંતાઈ! તમારો યંત્રવાદ, સ્પીડવાદ, સમાજવાદ- બધું ય તમારા શહેરને જ મુબારક હો!
અમે તો એક જ વાત સમજ્યા છીએ કે તમારી યોજનાઓ, યંત્રો, અને સ્પીડ ભલે કદાચ આ ભૂલોકમાં જ માણસને સ્વર્ગનું રાજ આપી દે, પણ એમાં જો એનો આત્માને શેતાનને વેચવો પડે તો તેમાં સરવાળે લાભ શો ? આજે તો માનવીના આત્માને માત્ર પૈસા ખાતર વેચવાની તમે ફરજ પાડી ચૂક્યા છો! તમારો સાચો સમાજવાદ તો એ કે સમસ્ત સમાજ પોતાના સદાચારના બળે સહકાર અને સંતોષથી જીવે અને પોતાની જરૂરિયાત અને પોતાનું સુખ પરસ્પર ફાળવી લે. યાદ રાખો ચારિત્ર્ય વગર કોઈ વાદ ઘડાતો જ નથી. રાષ્ટ્રનું કામ માનવીને ચારિત્ર્યબળથી દૃઢ બનાવવાનું, એના પતનથી સજાગ રાખવાનું છે. માનવીને તમે એના ચારિત્ર્ય ઉપર મજબૂત રહેવાની તાલીમ આપો, હામ આપો, સહારો આપો. આટલું જ તમારું કામ છે, પછી રાષ્ટ્રની આબાદી તો આપમેળે થતી જોવા મળશે. જુઓ, બધું તમે કર્યું પણ ભારતીયજનના ચારિત્ર્ય માટે સરિયામ ઉપેક્ષા કરી માટે જ આજે રાષ્ટ્રને બરબાદ કરી દેનારાં લાંચરુશવતખોરીનાં પાપો વધ્યાં છે ને? તમે પૈસો મેળવવા સિનેમાગૃહો દ્વારા અશ્લીલ વાતાવરણ પ્રસાર્યું, પણ તેનાં ભયંકર પાપોએ તમારી પ્રજાને સંસ્કારશૂન્ય કરી નાંખી ને? નિત્યનિર્માલ્ય સંતતિની પેદાશ પણ આનું જ પરિણામ છે ને? ધર્મને ધતીંગ મનાવીને તમે સંતોની દુનિયાથી લોકોને દૂર ખેંચી લીધા પણ એથી જ સહુનો સ્વાર્થ કેટલી હદ સુધી વકર્યો એ તમે જોયું? ખેર.. કેટલી વાત કહેવી? અમે તો બે શબ્દોમાં એટલું જ કહીશું કે તમે કોઈ જબ્બર ભુલભુલામણીમાં ફસાઈ ચુકેલા છો. સંતોની આ ભૂમિ ઉપર સંતોને જ બિરદાવો. ધર્મને મહત્ત્વ આપો. સહુના ચારિત્ર્યને પ્રાધાન્ય આપો. પૈસા જેવી તુચ્છ ચીજ ખાતર સઘળું હોડમાં મૂકવાની ભયંકર સાહસવૃત્તિથી પીછેહઠ કરો, પછી બધુંય આબાદ બની જશે. તમે પૈસો બનાવો તો ભલે બનાવો પણ પૈસાને તમે પરમેશ્વર બનાવી દીધો છે એ તો સાચે જ આ રાજ્યશાસનની કારમી કરુણતા છે. મહાશય! અમારા જીવરામદા'એ આવું તો ઘણું ઘણું સમજાવ્યું છે, અને તેથી જ અમે આ પૈસાભૂખી સરકાર અને ભોગભૂખી પ્રજાનો માર્ગ પસંદ કરતા નથી.