________________
વિરાગની મસ્તી
પાંચ ને પંદર વર્ષે પણ ભલેને પૂરી થતી? તેમાં તમને ખોટું શું છે? મજબૂરીના બધા પૈસા દેશમાં રહેશે. માનવીમાત્રને કામ મળશે. તમારા પૈસાનો પરદેશોમાં વહી જતો ધોધ અટકી પડશે. શું આ દેશની સાચી આબાદીની વાત નથી?
બેશક, યંત્રયુગ ઝડપ વધારી મૂકશે પણ માણસોને બુદ્ધિહીન બનાવશે. અરે, સરવાળા બાદબાકી પણ હવે યંત્રો કરશે? યંત્રોની ઝડપે તો લાખો માણસો બેકાર બનશે. કેમ કે યંત્રબળે તો એક લાખ મીટર કાપડ દસ માણસ દસ દિવસમાં તૈયાર કરી મૂકે જ્યારે એટલું જ કાપડ વણકરો તૈયાર કરે તો સેંકડો માણસોને રોજી મળે. તમારે શું કરવી છે સ્પીડને! લો, સ્પીડનીય વેદના કાંઈ ઓછી નથી. માલનો ભરાવો વધી પડે છે. પરદેશોમાં ઘરાકી મળતી નથી. મિલો બંધ કરવાનો સમય આવે છે! આ છે તમારું
સ્પીડ'નું તત્ત્વજ્ઞાન! લોકોને વધુને વધુ બેકાર બનાવનાર, બુદ્ધિહીન બનાવનાર, દેશને ગરીબ બનાવનાર તમારી “સ્પીડ સિવાય બીજું કોણ હશે? આ બધી પરદેશીઓએ શીખવેલી સ્પીડની વાતોથી તમે જ તમારી આત્મહત્યા કરી રહ્યા છો! કેટલી દયાજનક બાબત! યંત્રવાદના વિકાસની ટોચે પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કેનેડીએ શું કહ્યું છે તે જાણો છો? તેમણે કહ્યું છે કે, “રાષ્ટ્રના ઝડપી ઉદ્યોગિકીકરણને લીધે દર અઠવાડિયે પચીસ હજાર માણસો બેકાર બને છે. તેમની બેકારીને ટાળવા માટે નવા ઉદ્યોગો સ્થાપવાની ચિંતાનો ભાર મારા માથે સતત રહ્યા કરે છે. આ વિષચક્રમનો અંત શી રીતે લાવવો એ આપણા રાષ્ટ્રની એક મોટી સમસ્યા છે.'
એક ભાઈ બોલી ઊઠ્યા પણ આજે યંત્રયુગે તો કેટલાયને શ્રીમંત બનાવી દીધા! કેટલાય હજારો લોકો સમૃદ્ધ થયા છે!''
ભાઈ, જવા દોને આ બધો બનાવવાની વાતો! આજે શ્રીમંત વધુ શ્રીમંત થતો જાય છે, અને ગરીબ વધુ ગરીબ બનતો જાય છે! બસ, આટલામાં જ તમે તમારા અર્થતંત્રનું સરવૈયું કાઢી લો તો સારું. પૈસાદાર થનારને ય તમારું લોકશાસન
ક્યાં જંપવા દે તેમ છે! એની રાક્ષસી નાણાભૂખે “વેરા” નાંખવામાં તો સાચે જ રેકોર્ડ કરી નાંખ્યો છે. સાંભળો, માણસ વધુ કમાય તો આવકવેરો, પછી વધુ વાપરે તો ખર્ચવેરો, ન વાપરે અને બચાવે તો સંપત્તિવેરો, દાન કરે તો બક્ષિસવેરો! કશુંય ન કરે અને વારસામાં મૂકી જાય તો વળી પાછો વારસાવેરો! અને મરી જાય તો મૃત્યુવેરો! રે! આ તે કળજુગ છે કે કરજુગ! કેવી વેરાઓની લાંબી લંગાર! - બિરલાજી ઠીક જ કહે છે કે હવે ભારતમાં કોઈ રોકફેલર કે એન્ઝ કાર્નેગી ઉત્પન્ન થાય એ સંભવિત જ નથી.