________________
૧૦૦
વિરાગની મસ્તી
[૧૬]
મળકું થયું. પંખીઓ કિલકિલાટ કરતાં માળામાંથી ઊડવા લાગ્યાં. ખેડૂઓ હળમાં બળદ જોતરવા લાગ્યા. ઘરની બાઈઓ બપોરે જમવા માટેનો ભાત તૈયાર કરતી હતી.... પનીહારીઓ કૂવે જવા ઘરમાંથી બહાર નીકળતી હતી. ત્યાં જ એક જુવાનિયો દોડતો જતો બોલતો સંભળાયો. “રે! દોડો, દોડો.... આપણા દા' - જીવરામ દા” – એમના ઘરમાં નથી.”
જેણે જેણે સાંભળ્યું તે ઘડીભર તો સ્તબ્ધ જ થઈ ગયા. દા” ઘરમાં નથી!!! હોય નહિ..
વીજળી વેગે વાત ફેલાઈ ગઈ. સહુ દોડ્યા દા'ના ઘર તરફ. આજે એ નાનકડું ઘર સૂમસામ જણાતું હતું. એ ઝૂંપડી ભેંકાર જણાતી હતી.
બહાર ખાટલો ખાલી પડ્યો હતો; ભેંસ જોરજોરથી ભાંભરતી હતી. એ ય પામી ગઈ હતી એના માલિકની વિદાયને!
ઘોડો હણહણાટ કરતો હતો. કરુણ રૂદન હતું એની હણહણાટીમાં.. ઝૂંપડીના પ્રાંગણમાં લોકો આવીને ઊભા..
મુખીએ ચારે બાજુ માણસો દોડાવ્યા! “કોતરો જોઈ નાંખો; ટેકરાઓ ફેંદી વળો; વનવગડે ઘૂમી આવો... દા’ જાય ક્યાં?”
દૂર સુદૂરના પ્રદેશોમાં તપાસ ચાલી. જેને જ્યાં વહેમ પડયો ત્યાં માણસો દોડાવ્યા....
સંધ્યા થઈ. સહુ શોધી શોધીને થાક્યાં પાક્યાં પાછા ફર્યા. દા” કોઈને ય ન મળ્યા! દા” ક્યાંય ન મળ્યા!