________________
વિરાગની મસ્તી
૧૦૧
આખું ગામ દા'ના પ્રાંગણમાં ભેગું થયું.... દા'ના ખાટલાની ચોમેર સહુ બેઠા! સુવર્ણગઢના ગામની આ પહેલી જ સભા હતી જેનો કોઈ નાયક ન હતો; જ્યાં દા' ન હતા!
વાતાવરણ ખૂબ ગંભીર બની ગયું હતું ! એક જ પ્રશ્ન સહુના અંગે અંગે વીંટળાઈ વળીને કારમો ભરડો લીધો હતો... દા” ક્યાં ગયા?
આજે આ પહેલો જ પ્રશ્ન હતો જેનો જવાબ કોઈ આપી શકે તેમ ન હતું! યુવાનોના મન અકળાઈ ગયા હતા. દા'ની ભાળ ન મળી તે ન જ મળી.
બુઝર્ગો ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા હતા. “રે! દા' શા માટે ચાલ્યા ગયા! શું દુઃખ હતું એમને?”
બાઈઓના મગજમાં શંકાકુશંકાના ઘમ્મર વલોણાં ચાલતાં હતાં. “શું દા'એ કો’ક કુવો-હવાડો તો નહિ પૂર્યો હોય ને! હાય! હાય! શું થવા બેઠું છે આજ!'
ઘણો સમય વીતી ગયો.
શું બોલવું? કોઈને સૂઝ પડતી નથી. અંતે ગામના મુખી ઊભા થયા. કાંઈક બોલવા જતાં જ એમનું હૈયું ભરાઈ ગયું. ડૂસકા નાંખતા અને આંસુ સારતાં મુખી બોલ્યા... “આ જે.. આપણો... પ્રાણ... ગયો... સુવર્ણગઢમાં હંમેશ માટે અંધારું થઈ ગયું! દા” ક્યાં ગયા? શા માટે ગયા? હજી સમજાતું નથી. ચારે બાજુ માણસો દોડાવ્યા પણ ક્યાંય એમની ભાળ મળી નથી. મિત્રો, મારું માથું કામ....' આટલું બોલતાં જ ચક્કરી ખાઈને મુખી ધરતી ઉપર ઢળી પડ્યા, બેભાન થઈ ગયા!
યુવાનો દોડી આવ્યા. મુખીના મુખ ઉપર ઠંડું પાણી છાંટ્યું. એમને ઉપાડીને ખાટલામાં સુવડાવ્યા.
સિદ્ધાર્થ અને કપિલ એક ખૂણામાં ઘૂસકે ધ્રુસકે રડી રહ્યા હતા. જિનદાસ અને ગૌતમના કકળાટનો સુમાર ન હતો. બધાયના અંતર રડી રહ્યા હતા. કોઈને કાંઈ જ સૂઝતું ન હતું.!
થોડી પળો વીતી. ભેંકાર મૌનને તોડતાં જીવી ડોશી બોલ્યા, “વિમળ શેઠ ગયા.. જીવરામ દા ગયા, તો આપણે અહીં શું કામ રહ્યા? હવે અહીં જીવવા જેવું શું છે ?''
ડુસકાં નાંખતો શંકર બોલ્યો, “રે! આભમાંથી એક દી' સૂરજ તૂટી પડ્યો'તો; આજે ચાંદો ય તૂટી પડ્યો! હવે પ્રકાશ દેશે કોણ? અંતરમાં વ્યાપી જતાં અનંત અંધિયારને ઊલેચી નાંખશે કોણ?”