________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિ તમને કયો ગ્રહ નડે છે? શી
જાતજાતને ગ્રહોના ગૂંચવાડા માણસને ગૂંગળાવી નાખે છે! તમને પણ કો'ક ને કો'ક ગ્રહ નડતો જ હશે. નડે છે ને? તમે ય દોરા-ધાગા, મંતરજંતર કરીને ગ્રહોની ગૂંચને ઉકેલવા મથો છો... પણ ગ્રહોનું નડતર કનડ્યા જ કરે છે તમને ખરું ને? બીજા ગ્રહોની વાત જવા દો. આપણે તો એક એવા ગ્રહની વાત કરવી છે કે જેનાથી તમેઅમે બધાં જ પરેશાન છીએ અને એ છે પૂર્વગ્રહ!
કેટલીય જાતના પૂર્વગ્રહોની પીડા લઈને આપણે જીવીએ છીએ! કોઈ એવી વ્યક્તિ હશે આપણા જીવનમાં કે જેના પ્રત્યે આપણને પૂર્વગ્રહ ના હોય? ઉપગ્રહોના યુગમાં જીવતા આપણે પૂર્વગ્રહ છોડી શકતા નથી!
અરે, ભારતના ઉપગ્રહને અમેરિકા પોતાને ત્યાંથી છોડવા તૈયાર છે પણ ભારત પ્રત્યેના પૂર્વગ્રહને છોડવા એ તૈયાર નથી! - સૂર્ય-ચંદ્ર કે શનિ-મંગળ જેવા ગ્રહો માટે તો ઘણા જાપ-દોરા કર્યા હશે પણ આ પૂર્વગ્રહથી મુક્ત બનાવા કાંઈ વિચાર્યું ક્યારેય?
આ તો જે મળે એના પ્રત્યે સારો વિચાર હજુ પાંગરે ત્યાં તો “આ આવો', આ તેવો', શરુ થઈ જાય પૂર્વગ્રહનું પારાયણ!
પૂર્વગ્રહના પાતળા દોરે પ્રેમનો પતંગ ચગાવવાનું પાગલપણ આપણે ઘણી વખતે કરી બેસીએ છીએ અને એમાં બિચારો પ્રેમ વગોવાઈ જાય છે!
પૂર્વગ્રહની પીડામાંથી મુક્ત થવા માટે પ્રેમના મંત્રનો જાપ કરો, લાગણીઓના દોરા બાંધો.
વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ પળવારમાં વરાળ થઈને ઊડી જાય છે, પૂર્વગ્રહનો આકરો તાપ લાગતાંવેંત જ! નિશ્ચલ અને નિર્ચાજ નેહની આડે જો કોઈ પડદો હોય તો તે છે પૂર્વગ્રહ! પૂર્વગ્રહ વિગ્રહ કરાવે છે...માટે આગ્રહ કરું છું કે પૂર્વગ્રહથી મુક્ત બનો! ઉપગ્રહ છોડતાં પહેલાં પૂર્વગ્રહ છોડો!”
૩૮
વિચાર પંખી
For Private And Personal Use Only