________________
વીર ! મધુરી વાણી તારી
બેશક, તેમની આજ્ઞાના પાલનથી પણ તેઓ પ્રસન્નતા પામતા નથી. વીતરાગ કદી પ્રસન્નતા પામે જ નહિ, છતાં એમની આજ્ઞાનું પાલન એ એવો અપૂર્વ ધર્મ છે કે તેને આરાધનાર વ્યક્તિ અવશ્ય અભ્યદય અને મોક્ષને પામે છે. આજ્ઞાપાલનનું આવું ફળ આવવાથી આપણે ઉપચારથી જ એમ કહી શકીએ કે આજ્ઞાપાલનથી જાણે કે મહાદેવ પ્રસન્ન થયા અને તેથી જ આપણને આવું ફળ મળ્યું.
સામે સોનાની લગડી પડી છે આઅને એક ભિખારીનું મન તે તરફ લલચાય છે. એ વખતે એ બોલે છે કે સોનાની લગડીએ મારું મન લલચાવ્યું.
શું જડ એવી લગડી ભિખારીનું મન લલચાવી શકે ખરી? છતાં જેમ આ વક્યનો ઉપચાર પ્રયોગ થઈ શકે છે તેવું પ્રસ્તુતમાં પણ સમજવું.
જે વીતરાગ છે તેઓ રાગદશારૂપ પ્રસન્નતાને કદી પામત નથી. છતાં વીતરાગની ઉપાસના કરનાર સાધક પ્રસન્નતાનું ફળ પ્રાપ્ત કરી લે છે.
ચિંતામણિ રત્નની જ વાત કરીએ. વિધિપૂર્વક જે આત્મા એની આરાધના કરે છે તેના ઇચ્છિતોની તે પૂર્તિ કરી આપે છે. અહીં શું ચિંતારત્ન પ્રસન્ન થાય છે? એ તો જડ છે. એનામાં વળી પ્રસન્નતા કેવી? છતાં પ્રસન્નતા વિના પણ એનાં આરાધકને પોતાની ઈષ્ટસિદ્ધિનું ફળ મળી જાય છે અને તે આરાધક બોલી ઊઠે છે કે ચિંતારને મારી ઉપર પ્રસન્ન થઈને મારું ઈષ્ટ પૂર્ણ કરી આપ્યું.
બીજું અગ્નિનું દૃષ્ટાંત લઈએ.
માહ માસની કડકડતી ટાઢમાં અગ્નિનું તાપણું કરીને લોકો તેને વીંટળાઈ વળીને બેસે છે. ટાઢ ઊડી જતાં તેઓ કહે છે કે અગ્નિએ અમારી ટાઢ ઉડાડી નાંખી! અહીં પણ અગ્નિના આરાધકો ઉપર અગ્નિ પ્રસન્ન થતો નથી, અને પ્રસન્ન થઈને ટાઢ ઉડાડતોય નથી છતાંએ જાણે પ્રસન્ન થયો અને એથી ટાઢ ઊડી ગઈ તેવું બને છે તેથી લોકો બોલે છે કે અગ્નિએ અમારી ટાઢ ઉડાડી મૂકી.
અહીં પણ અગ્નિની પ્રસન્નતા વિના પણ એની પ્રસન્નતાથી પ્રાપ્ત ફળ એના આરાધકને મળી જતું જોવા મળે છે.
આ જ રીતે વીતરાગ-ભગવંતોની આરાધના કરનાર ઉપર તેઓ પ્રસન્ન થતાં જ નથી છતાં તેઓની આરાધનાથી અભ્યદયાદિની પ્રાપ્તિ થઈ જાય છે.
આ વાત ખૂબ જ સ્પષ્ટ રીતે કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ હેમચન્દ્રસૂરિજીએ વીતરાગસ્તોત્રમાં જણાવી છે.