________________ વીર ! મધુરી વાણી તારી 135 વધુ તો આ વિષયમાં શું લખવું? ઘણું લખી શકાય તેમ છે. પરંતુ ભદ્રક પરિણામી આત્માને આટલું દિશાસૂચન પર્યાપ્ત થઈ જશે, કઠોર પરિણામીને તો ગ્રંથોના ગ્રંથોનું લખાણ પણ નિરર્થક છે એમ સમજીને આટલેથી જ અટકવું ઠીક લાગે છે. નામાદિ ચાર નિપામાં ભલે અપેક્ષાએ ભાવ નિક્ષેપાની મહત્તા હશે પરંતુ એક અપેક્ષાએ તો સ્થાપના નિક્ષેપ જેટલો ઉપકારી ભાવનિક્ષેપ પણ નથી. ભાવનિક્ષેપસ્વરૂપ પરમાત્મા મહાવીરનું આજે દર્શન ક્યાં છે? એમના ચરણોને સ્પર્શ કરીને પવિત્ર થવાની કૃતકૃત્યતાનો અનુભવ ક્યાં છે? રે! એ અનુભવ પણ પુરુષો જ લઈ શકે ને? સ્ત્રીઓનું શું? વળી એમને પ્રક્ષાલ કરીને પૂજક પોતાના આત્માના મળ ધોઈ રહ્યો છે, ખીલેલાં પુષ્પો ચડાવીને આત્મ-કુસુમને ખીલવી રહ્યો છે; એ બધી ભાવના શી રીતે ભાવી શકાય? ભાવનિક્ષેપસ્વરૂપ પરમાત્માને ન તો સચિત્ત જલ અડાડાય, ન તો સચિત્ત પુષ્પ સ્પર્શાવાય? કદાચ માની લો કે એ બધું ય થઈ શકે છે તો ય શું? જે પરમાત્મા મહાવીર પોતે જ નથી. તીર્થકરપણાના ભાવનિક્ષેપે એઓ કેટલો ઉપકાર કરી શક્યા? ફક્ત ત્રીસ વર્ષ સુધી ને? અને તે ય પંદર કર્મભૂમિમાંથી જંબૂદ્વિપના ભરતની આ એક જ કર્મભૂમિ! તેમાં ય અમુક જ વિસ્તારમાં તેઓ ઉપકાર કરી શક્યા! તો હવે બીજાઓએ શું કરવું? પરમાત્મા મહાવીરના વિરહમાં કોનું આલંબન લેવું? કોનું આલંબન લઈને શુભભાવની પવિત્ર સ્પર્શના કરવી? મોહના સંસ્કારોને નાબૂદ કરવા? જગતને ભૂલવા કોઈકને તો યાદ કરવા જ પડશે ને? ઘરમાંથી છૂટવા ક્યાંક તો જઈને બેસવું જ પડશે ને? પ્રિયની પ્રતિમાઓ અંતરના ખડખંડમાં પધરાવી છે પણ તે બધી પ્રતિમાને ખસેડીને પ્રિયતમ પરમાત્માની પ્રતિમાઓને પધરાવવા તેની સાકાર સ્થિતિના દર્શન તો કરવા પડશે ને? અંતરમાં પ્રતિમા કંડારવા માટે શિલ્પીને પ્રતિમાનો નકશો તો જોઈએ ને? આ બધું ય સિદ્ધ કરવા માટે સ્થાપના નિક્ષપ સ્વરૂપ તીર્થંકર પરમાત્માની અનિવાર્ય આવશ્યકતા છે. એમના દર્શન આજે પણ સહુ કરી શકે, એમના અંગે જલ પ્રક્ષાલ થઈ શકે, પુષ્પોની આંગી પણ થઈ શકે એમને સહુ સ્પર્શીને પવિત્ર બની શકે. સ્ત્રી અને પુરુષ બધા ય.. અહીં કોઈ બાકાત નહિ.