________________
વીર ! મધુરી વાણી તારી
સમગ્ર માનવજાતને, દેવોની દુનિયાને, અરે! દેવોના પણ સ્વામીઓને રાગ, દ્વેષ અને મોહ જ પજવી રહ્યા છેને?
મોટમોટા સામ્રાજ્યોની ધરતીને ધ્રુજાવી નાંખતો સમ્રાટ શરીરના રાગભાવને કારણે પેટની શૂળ પીડાથી હાયવોય નથી કરતી બેસતો ?
અસંખ્ય દેવોનો નાયક ઈન્દ્ર પોતાની પ્રિયતમા ઈન્ચારણીની રીસે ક્યારેક એના પગ ચાટતો નથી શું?
સહુને લલચાવતા ખાનપાનના ભોગોને લાત મારતો ઋષિ પણ એક સ્ત્રીની ચામડીની ગુલાબીમાં ગુલાટ ખાઈ ગયો નથી શું?
કેષથી ધમધમતા શંકરના ખુલી જતાં ત્રીજા નેત્રના ભીષણ તાંડવની નોંધ દાર્શનિકોએ નથી લીધી શું?
આખા ય જગતને ભીસમાં લીધું છે રાગ-દ્વેષ અને મોહની ત્રિપુટીએ. એકે એક પ્રાણી કણસે છે એ ત્રિપુટીની વેદનાએ.
પણ જે આ ત્રિપુટીને ઝબ્બે કરે છે એની સામે તો સૌ સ્તબ્ધ બનીને જોઈ જ રહે એમાં શી નવાઈ ?
પોતાને હતપ્રહત કરી નાંખનાર ત્રિપુટીને સર્વથા મહાત કરનાર તરફ સહુના શિર ઝુકી જાય; સહુ સાશ્વર્ય જોઈ જ રહે એમાં નવાઈ શી?
મહિમાવંત કોણ? ત્રણેય લોકમાં આ ત્રિપુટી વિજેતાને મહિમા ગવાય એ તદ્દન સહજ બીના છે.
તો હવે એક જ વાત કરો કે મહાદેવ તેમને જ કહેવાય જેમનો મહિમા ત્રણે ય લોકમાં ગવાય. રાષ્ટ્ર વગેરેના રાગી અને શત્રુ વગેરેના દ્વેષી કે સફળ કૂડકપટના મહાવાળાઓનો મહિમા કોઈને કોઈ નાનકડા વર્તુળમાં જ ગવાશે; એમના પ્રશંસકો કરતાં નિંદકો જ ઘણાં રહેશે, એઓ જીવાડનારા કરતાં મારનારા જ વધુ હશે. એમના રાગ કરતાં એમના દ્વેષનું વર્તુળ જ સદા વધુ રહેશે. પછી ત્રણેય લોકમાં એમનો મહિમા શી રીતે સંભવે?
સર્વના મિત્રનો, અજાતશત્રુનો, સર્વને જીવાડનારાનો જ સહુ મહિમા ગાય. અને તે તો રાગ દ્વેષ મોહની ત્રિપુટીનો વિજેતા જ હોય.
એટલે કાં તો એમ કહો કે રાગના, દ્વેષના અને મોહના વિજેતા તે મહાદેવ કહેવાય.