________________
ગાડી જૂની થઈ જાય અને એને તું કાઢી નાખે એ વાત તો સમજાય છે પરંતુ ગાડીનો ડ્રાઇવર ઘરડો થાય એટલા માત્રથી તું એની સાથેના સંબંધ પર કાયમી પૂર્ણવિરામ મૂકી દે એ તો ન જ ચાલે ને?
તને ખ્યાલ ન હોય તો હું યાદ કરાવવા માગું છું કે આજે આ દેશમાં અને દુનિયામાં કરોડોની સંખ્યામાં પશુઓ રોજ જો કતલખાનાંમાં કપાઈ રહ્યાં છે તો એની પાછળ મનનો આ તર્ક જ કામ કરી રહ્યો છે, ‘પશુઓ ઉપયોગી નથી રહ્યા, પતાવી દો.”
અરે, મા-બાપો વૃદ્ધાશ્રમોમાં ધકેલાઈ રહ્યાં છે એની પાછળ પણ આવો જ કોક તર્ક કામ કરી રહ્યો છે. “મા-બાપો નકામાં બની ગયા છે, એમને હવે ઘરમાં રાખવા જરૂરી નથી.”
પૂજન, આ તર્કના આધારે આવતી કાલે બીમાર વ્યક્તિઓની હત્યા કરી દેવાનો સિલસિલો ચાલુ થઈ જાય તો ય એમાં આશ્ચર્ય પામવા જેવું નથી.
યાદ રાખજે, મનને વ્યક્તિઓનો ઉપયોગ કરી લેવામાં રસ છે જ્યારે અંતઃકરણને વ્યક્તિઓની ઉપાસના કરતા રહેવામાં રસ છે. ઇચ્છું છું, તું અંતઃકરણના અવાજને માન આપતો થઈ જાય.