________________
મહારાજ સાહેબ,
પ્રશ્ન મનમાં એ ઉદ્દભવે છે કે વસ્તુઓનો જેમ આપણે યથાયોગ્ય ઉપયોગ કરતા રહીએ છીએ અને ઉપયોગ થઈ ગયા બાદ વસ્તુઓનો આપણે જેમ ત્યાગ કરી દઈએ છીએ, બસ, એ જ રીતે વ્યક્તિઓનો આપણે જ્યાં, જ્યારે જરૂર પડે ત્યાં અને ત્યારે ઉપયોગ કરતા રહીએ અને ઉપયોગ થઈ ગયા બાદ એ વ્યક્તિઓને રામ રામ કરી દઈએ તો એમાં કોઈ અપરાધ તો નથી ને?
મન મારું એમ કહે છે કે વ્યક્તિ મરી ગયા બાદ એના શબનો જેમ અગ્નિસંસ્કાર કરી દેવામાં આવે છે તેમ વ્યક્તિની ઉપયોગિતા પૂરી થઈ ગયા બાદ એની સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં કોઈ જ વાંધો નથી. આપ આ અંગે શું કહો છો?
પૂજન,
પહેલી વાત તો એ છે કે વસ્તુઓ જડ છે જ્યારે વ્યક્તિઓ જીવંત છે. જે વ્યવહાર તું જડ સાથે કરે એ જ વ્યવહાર તું જીવંત સાથે પણ કરે એ ઉચિત તો નથી જ ને?