________________
અંતઃકરણને બરાબર ખ્યાલ છે કે સંપત્તિ વધુમાં વધુ સગવડો આપી શકે છે, સામગ્રીઓ આપી શકે છે; પરંતુ સુખની અનુભૂતિ કરાવવાની તો એનામાં કોઈ જ તાકાત નથી. કારણ કે સુખનો સંબંધ સગવડો કે સામગ્રીઓ સાથે એટલો નથી કે જેટલો સમ્યક અભિગમ સાથે છે અને સમ્યક અભિગમ સંતોષને જ બંધાયેલો છે.
એક વાત તને પૂછું?
ભોજન પેટમાં પધરાવતી વખતે તૃપ્તિનો અનુભવ તને ક્યારે થાય? પેટમાં ભોજનનાં દ્રવ્યો સતત પધરાવતો રહે ત્યારે કે પછી ભોજનનાં દ્રવ્યો પધરાવતા પધરાવતા વચ્ચે ક્યાંક અટકી જાય ત્યારે ? જવાબ તારો આ જ હશે કે વચ્ચે ક્યાંક અટકી જાઉં ત્યારે જ તૃપ્તિ અનુભવાય.
વંદન, સંદેશ સ્પષ્ટ છે. જો સગવડો જ જોઈએ છે તારે અને સામગ્રીઓ જ વધારવી છે તારે તો મનના અવાજને તું ખુશીથી અનુસરી શકે છે, પરંતુ સુખની અનુભૂતિ જો કરતા રહેવું છે તારે તો અંતઃકરણના અવાજને અનુસરવા સિવાય તારી પાસે અન્ય કોઈ વિકલ્પ જ નથી.