________________
મહારાજ સાહેબ,
મારા વાંચવામાં આવ્યું હતું ક્યાંક કે “મેઘધનુષ્યની સુંદરતા કે પુષ્પની સુંદરતા, કમળોથી વ્યાપ્ત સરોવરની સુંદરતા કેહરિયાળીથી લબાલબ બગીચાની સુંદરતા કરતાં અનેકગણી મહત્ત્વની સુંદરતા તમારા જીવનની છે અને એ સુંદરતાનું મૂળ છે તમારી પોતાની પ્રસન્નતા.
બસ, મેં નક્કી કરી દીધું છે કે જીવનની પ્રત્યેક પળમાં પ્રસન્ન જ રહેવું અને પ્રસન્ન બન્યા રહેવા માટે સ્વાસ્થને સાચવી રાખવું, વિપુલ સંપત્તિના સ્વામી બન્યા રહેવું અને સત્તાની તક જ્યાં પણ મળે ત્યાં ઝડપતા રહેવું.
આપને એટલું જ પુછાવવાનું કે પ્રસન્ન બન્યા રહેવા માટે આટલી ચીજો પર્યાપ્ત તો છે ને? કે પછી અન્ય ચીજોની પણ જરૂર પડે છે?
વિરાગ,
જીવનની સુંદરતા તું કેટલો પ્રસન્ન રહે છે એ નથી, પણ તારા કારણે કેટલા લોકો પ્રસન્ન રહે છે એ છે ! આનું કારણ છે ખુદની પ્રસન્નતા એ જ જો જીવનની સુંદરતા હોય તો રસલંપટ મીઠાઈ પામીને પ્રસન્ન રહે છે, વાસનાલંપટ સ્ત્રી પામીને પ્રસન્ન રહે છે, ધનલંપટ સંપત્તિ પામીને પ્રસન્ન રહે છે અને ભોગલંપટ ભોગ પામીને પ્રસન્ન રહે છે.