________________
મહારાજ સાહેબ,
આપણી ભૂલ ન હોવા છતાં સામી વ્યક્તિ આપણાં પર જાતજાતના આક્ષેપો કરતી જ રહે અને પરિવાર વચ્ચે કે સમાજ વચ્ચે બદનામ કરતી જ રહે ત્યારે આપણે એનું સ્પષ્ટીકરણ કરી દેવું જરૂરી ખરું કે નહીં? કારણ કે સ્પષ્ટીકરણ જો નથી થતું તો પરિવાર વચ્ચે કે સમાજ વચ્ચે આપણા માટેની ગેરસમજણ ઊભી જ રહે છે.
દર્શન,
પહેલી વાત તો તું એ સમજી રાખ કે બદનામ થતો માણસ બેઈમાન હોય જ છે એવો કોઈ કાયદો નથી. પૂર્વે એવા ઘણા ય સજ્જનો-સંતો થઈ ગયા છે કે જેઓ પવિત્ર-સરળ અને નિર્દોષ જ હતા અને છતાં કોક ને કોક કારણસર સમાજ વચ્ચે બદનામ થયા હતા. તેઓએ કોઈની ય સમક્ષ પોતાની જાતની નિર્દોષતાનું સ્પષ્ટીકરણ કર્યું નથી. કેટલાક સમય પસાર થયો છે અને તેઓની નિર્દોષતાની લોકોને પ્રતીતિ થઈ ગઈ છે.
એક મહત્ત્વની વાત તને જણાવું? ભૂલ નહોવા છતાં આપણને કોઈ દોષિત ચીતરે છે તો આપણે અકળાઈ જઈએ છીએ; પરંતુ આપણે કરેલ ભૂલની કોઈને ય ખબર નથી હોતી ત્યારે સામે ચડીને જવાબદાર સુયોગ્ય વ્યક્તિ પાસે એની કબૂલાત કરી દઈએ છીએ ખરા? જો ના, તો આનો અર્થ તો એ જ નીકળે છે ને કે સ્પષ્ટીકરણ કરવા દ્વારા આપણે આપણા અહંને જ સાચવવા માગીએ છીએ!