________________
ખરા ? મને તો શંકા છે.
આ પરમાત્માનું લોકોત્તરઐશ્વર્ય, એમનું સર્વોચ્ચ વિભૂતિત્વ, એમની વિરાટ શક્તિઓનુ, એમનું વીતરાગત્વ અને સર્વજ્ઞત્વ, એમની સાહજિક વિશ્વકલ્યાણકારિતા વગેરે જો ખૂબ સારી રીતે સમજાઈ જાય, જો એમણે
સ્થાપેલા શાસનનું મૂલ્ય અંતરમાં ઠસી જાય, પરમાત્માએ પ્રકાશેલાં શાસ્ત્રોના સુસૂક્ષ્મ પદાર્થોનો જો સુંદર બોધ થઈ જાય, એમના લોકોત્તર માર્ગની કઠોર આરાધના કરતાં શ્રમણવર્ગના જીવનની સર્વથા સુંદર સઘળી બાજુઓનું દર્શન થઈ જાય, પરમાત્માએ દાખવેલી મોક્ષમાર્ગસાધક પ્રત્યેક ક્રિયાઓ પ્રત્યે જો ગૌરવ ઉત્પન્ન થઈ જાય તો તે જ પળે અહોભાવથી શિર ઝૂકી જાય, જિનેશ્વરોને, જિનના શાસનને અને એ સર્વહિતકર શાસનનાં સર્વ અંગોને,
અંતર પોકારી ઊઠે, ‘આના જેવી મૂલ્યવાન વસ્તુ જગતમાં કોઈ નથી. જો આ શાસનપતિ અને તેમનું શાસન મને ન મળ્યાં હોત તો નર્યો અંધકાર ઓકતી દુઃખ અને પાપની અમાવસ્યાની રાત્રિ સમી આ ધરતીએ હું સદા અથડાતો-ટિચાતો હોત !' એક જ ઇચ્છા છે, સહુ શાસનપતિને ઓળખી લે, શાસનને સમજી લે, દ્વાદશાંગીના સૂક્ષ્મ તત્ત્વોનાં રહસ્યોને હસ્તસાત કરી લે. બસ...પછી મારે કાંઈ જ કહેવું નથી, કહેવું પડશે પણ નહિ. એ શાસનપ્રેમી પોતે જ, શાસન ઉપર આવતાં ઉપરોક્ત આક્રમણોની સામે એ કલવીર બનીને લડશે. વિરાટ સેનાનું સર્જન કરશે. એ સર્વત્ર ફરશે, ધરતીના કણ-કણને ખૂંદી વળશે, ઘટઘટમાં શાસનની સ્થાપના કરશે. શાસનપતિના નામનો જયજયકાર મચાવશે.
વિજ્ઞાનના તકવાદી અને કુતર્કવાદી યુગમાં શાસ્ત્રોનાં સૂક્ષ્મ તત્ત્વોને ન્યાયની તાર્કિક ભાષામાં સમજાવવાનું કામ ઘણું કપરું છે, એટલે જ મનમાં વિચાર ઝબકી ગયો કે તો પછી એ સુક્ષ્મ તત્ત્વોના પ્રકાશક શાસનપતિની સત્યવાદિતાને જ સાબિત કરી આપું તો? વૈજ્ઞાનિકો ઉપર તો ઘણાંને કૂણી મમતા છે જ ને ? એનો જ લાભ કેમ ન ઉઠાવવો? વિજ્ઞાનની વાતોથી જ કેટલાંક તત્ત્વોને સિદ્ધ કરી આપીને જગત્પતિનું સત્યવાદિત સ્થિર કરી દઉં તો જગત્પતિ ઉપર કેવો અપાર વિશ્વાસ સહુને બેસી જાય? એમના પ્રકાશેલા શાસ્ત્રના પ્રત્યેક અક્ષર ઉપર કેવી નિષ્ઠા જામી જાય? નાસ્તિકતાનો હિમપર્વત
કેવો ઝપાટાબંધ ઓગળવા લાગી જાય? ડૉક્ટર ઉપર વિશ્વાસ જામી ગયા બાદ કદી કોઈ માણસ એ ડૉક્ટરે સૂચવેલી ઔષધીમાટે તર્કવિતર્ક કરે છે ખરો ? એ દવાની બાટલી ઉપર 'Poison' લખ્યું હોય તોય ? તો હું પણ શા માટે ૫૦૦, ૧OO સિદ્ધાંતોની સચોટ સત્યતા પુરવાર કરી આપીને એના પ્રકાશક શાસનપતિ તીર્થંકર ઉપર પરિપૂર્ણ વિશ્વાસનું પ્રદાન કેમ ન કરાવી દઉં? પછી એ પરમકૃપાળુનાં પ્રકાશેલાં સત્યોને સમજવા માટે તર્કો કરવાની અને બુદ્ધિ લડાવવાની જરૂર જ નહિ જણાય. જો સમ્યગ્દર્શન આવી જાય તો સમ્યજ્ઞાન આપમેળે જ આવી જાય ને? ચોખા બરાબર ચડ્યા છે કે નહિ તે નક્કી કરવા માટે ગૃહિણી ચાર જ દાણા ચાંપીને આખી તપેલીનો નિર્ણય કરી લે છે ને ? આ ન્યાય અહીં કેમ ન લગાડવો ? શાસનપતિ પરમાત્મા ઉપર અફાટ ભક્તિ ઉત્પન્ન કરવાનો જેમ આ જ સરળ માર્ગ છે, તેમ શ્રેષ્ઠ માર્ગ પણ હાલના તબક્કે આ જ છે.
સહુના અંતરમાં શાસનપતિ પરમાત્માની મંગલ પધરામણી થઈ જાય, સહુને એમના શાસન પ્રત્યે અપાર પ્રીતિ જાગી જાય પછી આપણે સૌ વર્તમાન ભીષણ યુદ્ધની પરિસ્થિતિને અનુલક્ષીને કેટલાંક મંતવ્યો નિશ્ચિત કરીએ કે
* સહુસહુના આર્યધર્મમાં સ્થિર બની રહો. * પાશ્ચાત્ય જીવન પદ્ધતિને સહુ દફનાવો. * પાશ્ચાત્ય વિચારસરણીને સહુ દૂર કરો. * વર્ણવ્યવસ્થાને ધિક્કારવાની વાતોમાં કોઈ સામેલ ન થાઓ. * સંતશાહીનાં ઉત્તમોત્તમ મૂલ્યોને સીધી કે આડકતરી રીતે તોડી પાડતી કોઈ પણ પ્રવૃત્તિને જરા પણ સાથે ન આપો. * પ્રાચીન ગૌરવવંતી પરંપરાઓના સહુ ચુસ્ત હિમાયતી બની રહો. * જૈનત્વની ખુમારી ઘટઘટમાં સ્થાપો. રત્નત્રયીને અને તત્ત્વત્રયીને સદા શિર ઝુકાવો. * જમાનાવાદનાં જૂઠાણાંઓને સખ્ત રદિયો આપો. એકતાને બદલે એકસંપીની વાતોને જ સાથ આપો. * યુગપ્રગતિના જૂઠથી સદા છેટા રહો.
ઘાતકી સુરંગોની જાળને છેદી-ભેદી નાખવા માટે આપણે આટલું જરૂર કરીએ. ત્યારબાદ ત્રિલોકનાથ જગત્પતિ તીર્થંકર પરમાત્માએ ફરમાવેલી આજ્ઞાઓથી પ્રતિબદ્ધ જીવન જીવવાનો દૃઢ સંકલ્પ કરીએ અને શક્ય એટલું પાલન કરીએ. આજ્ઞાપ્રેમી બનીએ, અનેકોને આજ્ઞાપ્રેમી બનાવીએ.