________________
પપ્પા ! તમને ઇતિહાસની જાણકારી કેવી ?’ જબરદસ્ત’
‘પ્રશ્ન પૂછું એનો જવાબ આપી શકો ?'
‘શંકા છે તને તારા બાપની વિદ્વત્તા પર ?’ ‘પપ્પા, એવું નથી પણ...’
‘અરે પણ ને બણ ! તું પૂછ ને તારે જે પૂછવું હોય તે !’ “પપ્પા ! યુધિષ્ઠિર કોણ હતા ?’
‘તને એટલી ય ખબર નથી ? ખોલ મારો કબાટ. એમાં રામાયણ પડ્યું છે એ લઈ આવ. તને વંચાવી દઉં કે કોણ હતા યુધિષ્ઠિર ?'
પાણીનો એક વિચિત્ર સ્વભાવ તમારા ખ્યાલમાં છે ? એને બધાયમાં પ્રવેશવાની ટેવ હોય છે. ગંગા લાવો કે ગટર લાવો, નદી લાવો કે સરોવર લાવો, ખાબોચિયું લાવો કે ખાડો લાવો. એ દરેકમાં પ્રવેશી જવાની એની તૈયારી !
બસ,
બિલકુલ પાણી જેવો છે અહં. કોઈ ક્ષેત્ર એવું નથી કે એમાં એ ઘૂસવા ન માગતો હોય. અરે, સફળતાને તો એ પોતાના ખાતે ખતવી દે છે પણ નિષ્ફળતા લમણે ઝીંકાય છે ત્યાં ય એ પોતાના અસ્તિત્વની જાહેરાત માટેનું કોક ને કોક બહાનું શોધીને જ રહે છે.
‘તમને ખ્યાલ છે ? મેં મહેનત જ એવી જબરદસ્ત કરી હતી કે પરીક્ષામાં પહેલો નંબર મને જ મળે’ આ છે સફળતામાં અહંનો ચંચુપાત, જ્યારે ‘તમને ખ્યાલ નહીં હોય પણ મારે એક જ વર્ગમાં બે વરસ ભણવું હતું અને એટલે મેં જાણી જોઈને જ ભણવાની ઉપેક્ષા કરી નાપાસ થયો એનું મને કોઈ જ દુઃખ નથી' આ છે નિષ્ફળતામાં ય અહંનો ચંચુપાત !
આવા પાટલી બદલ અહંને જીવનનું ચાલકબળ જો બનાવી બેઠા તો લમણે હાથ દઈને રોવાનું આવશે એ નિશ્ચિત સમજી રાખજો.
૩૯
‘આ દવા તમારે કઈ રીતે લેવાની છે એ બરાબર સમજી લો.’ ડૉક્ટરે દર્દીને કહ્યું.
‘બોલો’
“આ બાટલીમાંથી બે ચમચી દવા...'
‘પછી ?’
આ નાની બાટલીમાંથી બે ચમચી દવા બપોરના.’
‘પછી ?’
“આ મોટી બાટલીમાંથી બે ચમચી દવા સાંજના...’
આ સાંભળીને પેલો દર્દી તો રડવા જ લાગ્યો. એને રડતો જોઈને ડૉક્ટરે પૂછ્યું, ‘કેમ, આ રીતે દવા લેવામાં કોઈ તકલીફ છે ?’
‘ડૉક્ટર સાહેબ ! હું તો ગરીબ માણસ છું. આટલી બધી ચમચીઓ હું લાવીશ ક્યાંથી ?'
મંદીના સમયમાં માણસ મોજશોખ ઓછા કરી દઈને એકવાર પોતાના મનની પ્રસન્નતા ટકાવી પણ રાખે, મોંધવારીના સમયમાં જરૂરિયાતો ઓછી કરી દઈને માણસ એકવાર પોતાની બાંધેલી આવકમાંથી દિવસો ખેંચી પણ કાઢે પણ માંદગી આવે ત્યારે ટૂંકી આવકમાં એને શેં પહોંચી વળવું એ સમસ્યાનો એની પાસે કોઈ જ વિકલ્પ નથી.
તમે દૂધ વિના ચલાવી લો પણ દવા વિના ? તમે વેપારી પાસે ન જાઓ તો ચાલે પણ ડૉક્ટર કે વૈદ પાસે ? તમે ફોટો પડાવ્યા વિના જીવી શકો પણ બીમારી જ એવી વળગી હોય અને નિદાન માટે એક્સ-રે પડાવવો જરૂરી જ હોય અને છતાં એક્સ-રે ન પડાવો તો ? તમે બૉલપેન ન લો તો ચાલી જાય પણ ઈંજેક્શન ન લો તો ?
રે વિજ્ઞાન ! તેં ગરીબ માણસોને માંદગીને બદલે મોત પસંદ કરતા કરી દીધા ?
४०