________________
સીધા જ પ્રવૃત્ત-નિવૃત્ત થાઈ જો
સુવાસની અનુભૂતિ થાય છે અને માણસ અને માણવા જ લાગે છે. દુર્ગંધની અનુભૂતિ થાય છે અને માણસ વિના વિલંબે ત્યાંથી દૂર થઈ જાય છે. નથી એ અંગે એ કોઈ ચૂંથણા ચૂંથતો કે નથી એ અંગે કોઈ તર્કની જંજાળમાં પડતો.
એક વાત યાદ કરાવું ? મનને રસ છે ચૂંથણા ચૂંથવામાં અર્થાત્ પોસ્ટમૉર્ટમમાં અને તર્ક કરતા રહેવામાં અર્થાત્ એનાલીસીસમાં.
એટલું જ કહીશ કે આત્મહિતની જ્યાં પણ વાત આવે ત્યાં વચ્ચે મનને લાવ્યા વિના સીધા જ પ્રવૃત્ત થઈ જજો અને આત્મ અહિતની જ્યાં પણ સંભાવના દેખાય ત્યાં મનની કોઈ પણ દલીલ સાંભળ્યા વિના નિવૃત્ત થઈ જજો.
ટૂંકમાં, એ ક્ષેત્રે મનને ન તો પોસ્ટમૉર્ટમ કરવા દેજો કે ન તો એનાલીસીસ કરવા દેજો. બહુ મોટો જંગ જીતી જશો.
૧
ધ્યાન હટાવી દો ધ્યાન લાગી જશે
પ્રભુમાં ધ્યાન લગાવી દેવું છે એમ ને ? પદાર્થ પરથી ધ્યાન હટાવી લો. સ્વાધ્યાયમાં ધ્યાન લગાવી દેવું છે એમ ને? ગપ્પાંબાજી પરથી ધ્યાન હટાવી લો. તપશ્ચર્યામાં ધ્યાન લગાવી દેવું છે એમ ને ? અનુકૂળ વિષયો પરથી ધ્યાન હટાવી લો.
ટૂંકમાં, ઉત્તમ પર ધ્યાન લગાવી દેવામાં સફળતા એને જ મળે છે કે જે અધમ પરથી ધ્યાન હટાવી લે છે.
એક પગ પાંચમા પગથિયા પર રાખીને બીજા પગને છઠ્ઠા પગથિયા પર ગોઠવી દેવામાં સફળતા જરૂર મળી શકે છે પરંતુ મનના અડધા ભાગને પદાર્થપ્રેમી રહેવા દઈને બીજા અડધા ભાગને પરમાત્મપ્રેમી બનાવી દેવામાં તો કોઈ કાળે સફળતા મળવાની નથી. વાંચી છે ને આ પંક્તિ ? પ્રીતિ અનંતી પર થકી,
જે તોડે તે જો’
૨