________________
બોધને બળવાન બનાવી દો.
કષ્ટદાયી ? કે ફળદાયી ?
પગનો કમજોર માણસ લાકડીને પગની તાકાત બનાવતા જો લેશ પણ ખચકાટ અનુભવતો નથી, આંખનો કમજોર માણસ ચશ્માંને આંખની તાકાત બનાવી લેવા જો હોંશે હોંશે તૈયાર થઈ જાય છે તો બોધક્ષેત્રે કમજોર એવા આપણે પ્રભુનાં વચનોને, બોધને મજબૂત અને નિર્મળ બનાવી દેવા શા માટે પળની ય વાર લગાડવી જોઈએ ?
યાદ રાખજો,
પગના કમજોરને ચોવીસેય કલાક લાકડી પોતાની પાસે રાખવી પડતી નથી, આંખના કમજોરને ચોવીસેય કલાક ચરમાં પોતાની પાસે રાખવા પડતા નથી પરંતુ છદ્મસ્થ એવા આપણે તો માત્ર ચોવીસે ય કલાક જ નહીં પરંતુ જીવનના અંત સુધી પ્રભુનાં વચનોને સાથે જ રાખવાના છે. કારણ કે બેસવાનું કે ચાલવાનું, સૂવાનું કે વાપરવાનું, બોલવાનું કે મૌન રહેવાનું બધું ય પ્રભુવચનો પાસે જ શીખવાનું છે.
સંયમજીવનની કઈ ચેષ્ટા એવી છે કે જે કષ્ટદાયી નથી ? બધી જ પ્રવૃત્તિઓમાં યતનાને હાજર રાખવાનું કામ પણ કષ્ટદાયી છે તો લોચ કરાવવો ય કષ્ટદાયી છે. આજીવન ગુરુકુળવાસ પણ કષ્ટદાયી છે તો નિર્દોષ ગવેષણા ય કષ્ટદાયી છે. આંખનો સંયમ પણ કષ્ટદાયી છે તો ઇચ્છાનો નિરોધ પણ કષ્ટદાયી જ છે.
આમ છતાં આપણે સામેચડીને આવા કષ્ટદાયી ચેષ્ટાઓવાળા સંયમજીવનને અંગીકાર કર્યું છે. કારણ ? સંસારીઓની નજરમાં આ બધીય ચેષ્ટાઓ ભલે કષ્ટદાયી છે પરંતુ આપણને એ ચેઓ ફળદાયી દેખાઈ છે.
એટલું જ કહીશ કે સંયમજીવનની તમામ ચેષ્ટાઓ ફળદાયી બનીને જ રહે એ બાબતમાં આપણે ખૂબ સાવધ બની જવાનું છે. જો એમાં અસાવધ બન્યા રહ્યા તો આ ચેષ્ટાઓ કેવળ કષ્ટદાયી જ બની રહેશે.