________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંદીષેણ એને સંસારના બધા નીરખતાં ન થાકે તો કામલતા નાચતાં નહોતી થાકતી! ક્યારેક નંદીષેણ પોતાના જીવનના જૂના ચોપડા ઉખેળવા બેસતો ત્યારે વેશ્યા વ્યગ્ર થઈ જતી. એ ઉન્મત્ત બની જતી. રખે, નંદીષણ મોહપાશમાંથી મુક્ત થઈ જાય! રૂપવતી દાસીઓને નાચવાની આજ્ઞા કરતી, પોતે નાચતી નવી નવી શૃંગારચેષ્ટાઓ કરતી.
કામલતાને નંદીષણની પુરાણી સ્મૃતિઓ પર વિસ્મૃતિનો પટ બિછાવેલો રાખવો હતો. એ માટે તેણે ધીરે ધીરે આખો આવાસ પલટાવી નાંખ્યો. સંપત્તિની કોઈ સીમા રહી ન હતી. નંદીષેણે સોના-રૂપા ને રત્નોના ઢગલા કરી દીધા હતા.
એણે પુષ્પવાટિકાઓ, લતામંડપો, દ્રાક્ષ કુંજો, નિઝરગ્રહો રચાવ્યાં. પક્ષી અને ભ્રમરથી ગુંજારવ કરતાં સરોવર બનાવ્યાં. આવાસની પાછળ કલરવ કરતી કૃત્રિમ નદી વહાવી દીધી! સુંદર વૃક્ષો, નાની નાની ટેકરીઓ, એમાં નાની નાની સુંદર ગુફાઓ, હર્યાભર્યા શિખરો અને એના કિનારે મણિનિર્મિત પરિવૃન્દોની રચના કરી.
સોનાની ધૂપદાનીઓમાં સુગંધી ધૂપ ગૂંચળા વળતો દિશાઓને મહેકાવતો હતો. સુવર્ણપિંજરમાં કિલ્લોલ કરી રહેલાં પક્ષીઓ આખો દિવસ વિનોદ કરતાં હતાં. પરિચારકો, ગાયકો, કવિઓ, વાદકો અને સુંદર સેવિકાઓ હરપળે સેવામાં હાજર રહેતી.
28ઋતુના વિહારો યોજાતા. વસંતમાં વૃક્ષવૃક્ષે નવપલ્લવતા પાંગરતી, અને બંને સુંદર ઝરણાંઓના તીરે મંદ સમીરની લહરીઓમાં હિંડોળે ઝૂલતાં. રતિ અને કામદેવની કથા કરતાં. વસંત તો કામદેવનો મિત્ર! કોઈ વાર બંને સરિતાસ્નાન કરવા જતાં, પારિજાતકનાં વનોમાં વિહાર કરતાં. ચંદન-કપૂરનો પરસ્પર લેપ કરતાં.
વર્ષ-વેળામાં વિયોગિની મુગ્ધાના હૃદયની પીડા જેવી આકાશમાં પણ વાદળાંઓની પીડા જામતી. ત્યારે વીજળીના ગર્જારવમાં વૃષ્ટિના મુશળધાર રેલામાં કામલતાને મજા આવતી. બંને એકબીજાનાં કાવ્ય રચતાં. વચ્ચે ભયંકર ગર્જના થતી. ગર્જનાથી છળી મરી હોય તેમ ડરીને કામલતા નંદીષણને વેલીની જેમ વળગી પડતી. ઠંડી ઠંડી હવાના સપાટાઓથી નિરાધાર કબૂતરીની જેમ ધ્રુજતી ધ્રુજતી કામલતા નંદીષણના પડખામાં સંતાઈ જતી.
સુલાસા
For Private And Personal Use Only