________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવપૂજાઓ રચાઈ રહી હતી. સ્થાને સ્થાને રમણીય મંડપો બાંધવામાં આવ્યા હતા. મંડપોમાં સાધર્મિક ભાઈ-બહેનોની ભક્તિ પૂજા કરવામાં આવી રહી હતી.
રાજગૃહીના દરેક ઘરમાં ગોળ-ધાણા-ઘી અને અક્ષત વહેંચીને પુત્રજન્મનું વપન કરવામાં આવ્યું. પુત્રજન્મનો આનંદ મનાવવા આવેલા સ્વજનોને મિષ્ટાન્ન ભોજન આપી, તેમનું સન્માન કરવામાં આવ્યું. પૂર્વે રિસાયેલા સ્વજનોને આમંત્રિત કરી તેમને પહેરામણી આપીને તેમની સાથે મીઠા સંબંધ બાંધ્યા. શત્રુઓની શત્રુતા દૂર કરી તેમની સાથે મૈત્રીસંબંધ સ્થાપિત કર્યો.
આ રીતે વૈભવથી ભરપૂર અને માણસોથી ભરપૂર વધામણા-મહોત્સવ કરવામાં આવ્યો. અનુક્રમે બારમા દિવસે ગોત્રના વૃદ્ધ પુરુષોને જમાડી, તેમનું સન્માન કરી, માતા-પિતાએ પુત્રોનું નામકરણ કર્યું.
ઘૂઘરાઓનો ઘૂર દૂર અવાજ કરતા અને પા-પા પગલી ભરતા પુત્રો માતા-પિતાને હર્ષિત કરતા હતા. પુત્રોની, વીણા અને કોયલથી પણ અધિક મીઠી કાલીઘેલી ભાષાથી માતા-પિતા અત્યંત ખુશ થતાં હતાં, ૩૨ પુત્રોના ઉછેર માટે ધાવમાતાઓ રાખવામાં આવી હતી. એ રીતે લાલનપાલન કરાતા પુત્રો દિવસે દિવસે મોટા થવા લાગ્યા.
મહારાજા શ્રેણિક રાજપરિવાર સાથે નાગ સારથિની હવેલીએ આવ્યા. સુલસાના ૩૨ પુત્રોને રમાડવા આવ્યા હતા. એ પુત્રોને ઉત્તમ ભેટો આપવા આવ્યા હતા. રાણી નંદા અને રાણી ધારિણી, દાસીઓની સાથે સુલસાના શયનખંડમાં ચાલી ગઈ. મહારાજા શ્રેણિક, અભયકુમાર અને બીજા રાજપુરુષો નાગ સારથિની પાસે દીવાનખંડમાં બેઠા. બત્રીસે પુત્રોને મહારાજા શ્રેણિકની પાસે લાવવામાં આવ્યા. શ્રેણિકે દરેક પુત્રની આંગળીમાં સુવર્ણમુદ્રિકા પહેરાવી, પ્રેમથી થપથપાવ્યા. ધાવમાતાઓ પુત્રોને પાછા સુલસાના ખંડમાં લઈ ગઈ. રાણીઓએ સુંદર વસ્ત્રો અને અલંકારો ભેટ આપ્યાં. સુલસાને કહ્યું : ‘દેવીં તારા આ બત્રીસે પુત્રો રૂપ-લાવણ્યના ભંડાર છે. સર્વાંગસુંદર છે. તેમનું દેહલાલિત્ય અદ્ભુત છે! ખરેખર, સુલસા તું પુણ્યશાલિની છે. પરમાત્મા મહાવીર પ્રભુની તારા પર પરમ કૃપા વરસી છે. તું ધન્ય બની છો.'
૪૦
For Private And Personal Use Only
સુલસા