________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવામાં આવ્યો. રાજરાણી ધારિણી, નંદા વગેરેએ ક્રમશઃ આવી નૂતન રાજાનાં ઓવારણાં લીધાં. મેઘકુમાર ખીલેલા પારિજાત વૃક્ષ જેવા શાંત અને પ્રસન્ન હતા. ધારિણીએ કુમારને માથે રાજતિલક કર્યું... રાજ્યાભિષેક મહોત્સવ પૂર્ણ થયો. સૌ વિખરાયાં.
મેઘકુમારની દીક્ષાયાત્રામાં હું ન જઈ શકી, એની દીક્ષા-ક્રિયા સમયે સમવસરણમાં પણ ન જઈ શકી. મારું પેટ ભારે હતું અને વૃદ્ધ સ્ત્રીઓ હવે ઘરની બહાર જવાની મનાઈ કરતી હતી. પરંતુ મારી સખી વસંતસેના દીક્ષાયાત્રામાંય ગઈ અને સમવસરણમાં જઈને મેઘકુમારની દીક્ષાની ક્રિયા પણ જોઈ આવી. હું એના મુખે બધું જ સાંભળવા ઉત્સુક હતી. એ મને સંભળાવવા આતુર હતી! તેણે વાતનો પ્રારંભ કર્યો :
દેવી! રાજગૃહીના રાજમાર્ગો ઉપર કુંકુમજલનો છંટકાવ કરવામાં આવ્યો હતો. માર્ગ પર સર્વત્ર સુગંધી પુષ્પો પાથરવામાં આવ્યાં હતાં. સ્થાને સ્થાને સુવર્ણના સ્તંભો ઊભા કરીને મણિ-રત્નોનાં તોરણો બાંધવામાં આવ્યાં હતાં. સુગંધથી ભરપૂર પુષ્પમાળાઓ માર્ગની બંને બાજુએ સુંદર સ્તંભો સાથે લટકાવી દીધી હતી. સ્થાને સ્થાને અગરૂ-કપૂરની ધૂપદાનીઓ મૂકેલી હતી. તે ધૂપઘટાઓથી મંડપો મઘમઘાયમાન થયા હતા. રાજમહેલથી શરૂ કરીને ગુણશીલ ચૈત્ય સુધીનો માર્ગ સ્વર્ગખંડ જેવો સુશોભિત કરવામાં આવ્યો હતો.
મેઘકુમારને સ્નાન કરાવી, દિવ્ય અંગરાગ કરી, સર્વ અંગે શુદ્ધ શ્રેષ્ઠ વસ્ત્ર અને મૂલ્યવાન અલંકારો પહેરાવવામાં આવ્યાં. મહારાણી નંદાએ એના ગળામાં સુગંધી પુષ્પોની માળા પહેરાવી. રાણી ધારિણીએ એના ભવ્ય લલાટમાં તિલક કર્યું.
કુમારને શ્રેષ્ઠ ગજેન્દ્ર ઉપર આરૂઢ કરવામાં આવ્યો. મસ્તક પર શ્વેત છત્ર અને બે બાજુ બે ચામર વીંઝાવા લાગ્યા. મેઘકુમાર જાણે દેવરાજ ઇન્દ્ર હોય તેવો સોહામણો લાગતો હતો. વાજિંત્રો વાગવા લાગ્યાં. હર્ષનાદો થવા લાગ્યા...મેઘકુમારના ગજેની પાછળ હજારો સામંત રાજાઓ ચાલવા લાગ્યા. તેમની પાછળ રથોમાં રાણીઓ બેસીને જઈ રહી હતી. માર્ગમાં બંદીજનો કુમારની સ્તુતિ કરતા હતા. ગાયકો ગીત ગાતા હતા અને માર્ગને શણગારનારા પોતાનું કૌશલ્ય બતાવતા હતા.
સુલાસા
૩૭
For Private And Personal Use Only