________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભદ્રાએ સુલસાને કહ્યું : 'બહેન, એણે રોજ એક-એક પત્નીનો ત્યાગ કરવા માંડ્યો છે અને વૈરાગ્યને દૃઢ કરવા લાગ્યાં છે.’
સુલસાએ કહ્યું : ‘તમારા પુત્રને ધન્ય છે! અને તમને પણ ધન્ય છે! તમે એકના એક પુત્રને ચારિત્રના માર્ગે જવાની રજા આપી! તમારું હૃદય કેવું નિર્લેપ અને નિર્મોહ છે!'
‘સુલસા! બહેન, તમારા બત્રીસ પુત્રોએ મહારાજાની રક્ષા કરતાં પોતાના પ્રાણ આપી દીધા! અને તમારી બત્રીસે પુત્રવધૂઓએ દીક્ષા ગ્રહણ કરી, આ વાત હું જાણું છું...પુત્રો અને પુત્રવધૂઓનો વિરહ તમે સમતાભાવે સહન કરી રહ્યાં છો...તમને લાખ લાખ ધન્યવાદ!'
‘ભદ્રે! આ કૃપા મારા પરમ પ્રિય પરમાત્મા વીર પ્રભુની છે...એ જ મારા સર્વસ્વ છે...એમના અદ્રશ્ય સાંનિધ્ય જ મને ટકાવી રાખી છે...મારી દૃઢ શ્રદ્ધા છે કે હવે મારો પ્રત્યેક દિવસ એક એકથી ચઢિયાતો ઊગશે. મને પરમાનંદના સાગરની સહેલ કરાવશે. અધ્યાત્મ-અનુભવનાં ઊંચા શિખરોની યાત્રા કરાવશે...હે દેવી! પ્રભુ વીરની કૃપાથી, હવે કાલ કેવી ઊગશે એની ચિંતા રહી નથી. કાલ સુંદર ઊગશે એની હવે ખાતરી થઈ ગઈ છે. એનો પરમાનંદ છે. એ આનંદને વાણીમાં વ્યક્ત કરવાનું મારું ગજું નથી...શાલિભદ્ર એવો જ અવર્ણનીય આનંદ પામશે, જે એણે દિવ્ય ભોગસુખોમાં નથી અનુભવ્યો!'
'સુલસા, એક વાત કહું? પુત્ર આટલો મહાન ત્યાગ કરવા કટિબદ્ધ થયો છે છતાં મોહપિંજ૨માંથી મારું માથું બહાર નીકળતું નથી, જેમ લોહપિંજરમાં ઉંદર ફસાય છે તેમ!'
‘મારી પણ એ જ સ્થિતિ છે ને! મને પણ સર્વવિરતિમય સાધુતા લેવાની ભાવના જ નથી જાગતી...હા, પ્રભુ વીર પ્રત્યે મારો અવિહડ નેહ છે. મારું મન વિચારોનું અરણ્ય હતું. પ્રભુકૃપાથી હવે એ એક ઉદ્યાન બન્યું છે. અટવીમાં અટવાતી હતી, પણ હવે ઉદ્યાનમાં થઈ ધોરી રસ્તા ઉપર નીકળી આવી છું.'
આ વાતો ચાલતી હતી, ત્યાં એક સુંદર સ્ત્રી દોડતી અને રોતી રોતી આવી. ભદ્રાના ખોળામાં પડી...
‘બેટી, શું થયું? કેમ આટલું બધું રુદન? શાન્ત થા, અને વાત કર?' ‘મા, શું વાત કરું? તારા જમાઈ પણ દીક્ષા લેવા તૈયાર થઈ ગયા છે.'
સુલસા
For Private And Personal Use Only
૧૭૧