________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક દિવસની વાત છે. હું સારથિને લઈને ગુણશીલ ચૈત્યના ઉદ્યાનમાં ગઈ. અમે ત્યાં એક લતાકુંજમાં બેઠાં હતાં ત્યાં એક મૃગનું નવજાત બચ્યું એમના પગમાં અટવાયું. બચ્યું એની ખરબચડી જીભથી એમના પગ ચાટવા લાગ્યું. મને હતું કે તેઓ એને હળવેકથી દૂર કરશે. પણ એમણે તો નીચે બેસીને એની પીઠ પર મમતાથી હાથ ફેરવ્યો. એને પોતાની ગોદમાં લઈ વારંવાર ચૂમવા લાગ્યા, અને નાના બાળકની જેમ ડૂસકાં ભરીને રડવા લાગ્યા. મારા મનમાં એક ભયંકર વિચાર ઝબકી ગયો... તેઓ માનસિક પરિતાપથી વિક્ષુબ્ધ થઈ ગયા હશે?” મેં ગભરાતાં પૂછ્યું : આમ કેમ કરો છો?' મારી સામે ન જોતાં બચ્ચાના દેહને પોતાના ગાલ સાથે ઘસતાં તેઓ બોલ્યા : “સુલતા! શું કહું તને? નિર્વશી પુરુષનું આ જગતમાં સ્થાન નથી, પછી સ્વર્ગલોકમાં ક્યાંથી હોય? મૃત્યુ પછી આપણને સૌ ભૂલી જવાના. હું મહારાજા શ્રેણિકનો સારથિ નથી, હું તો વિધાતાના રાજ્યનો એક ભિખારી માત્ર છું. મારી સાથે મારું નામ પણ વિલીન થઈ જવાનું!”
ક્ષણભર મારી આંખો પણ ભીની થઈ ગઈ, પરંતુ ઉત્તરીયથી લૂછીને એમના બે હાથ મારા હાથમાં લઈને મૃદુ શબ્દોમાં મેં કહ્યું : “મારા નાથ! નામ ફોનું શાશ્વત રહે છે? તીર્થકરોનાં નામ પણ કાળક્રમે ભુલાઈ જાય છે. ચક્રવર્તીઓ, વાસુદેવો અને બળદેવોનાં નામ પણ ભૂંસાઈ જાય છે! હે મારા સ્વામી! યાદ કરો ભગવાનની વાણી.”
આપણો આત્મા અનામી છે! આપણો આત્મા અરૂપી છે!
હે નાથ, નામ અને રૂપ તો પુદ્ગલનાં હોય છે. ચૈતન્યસ્વરૂપ આત્માનાં નથી હોતાં નામ કે નથી હોતાં રૂપ! એટલે નામ અને રૂપનો મોહ વ્યર્થ છે. એ મોહ જ જીવને સંતાપે છે, ક્લેશ આપે છે. ગયેલા પુત્રો હવે પાછા આવવાના નથી. પછી મનનો વલોપાત શા માટે? આત્મા તરફ વળો, આત્મજ્ઞાનની તેજરેખા રેલાશે ત્યારે મનનું કમળ ખીલી ઊઠશે.
વીતી ગયેલી વાતને યાદ કરીને દુઃખી થયા કરવાનું? ના, દૂધ ઢોળાઈ ગયા પછી હાથમાં નથી આવતું. હાથમાંથી છૂટેલું તીર પાછું નથી વળતું.
૧૪૨
સુલતા
For Private And Personal Use Only