________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છો, અને પૃથ્વીની જેમ સર્વ સહન કરનારા છો! તેથી આવા મૂર્ખ માણસો આપની સમક્ષ સ્વછંદતાથી આવું બોલી શકે છે. આવા દુઃશ્રાવ્ય વચન સામાન્ય માણસ સામે પણ ન બોલાય, તો પછી આપના જેવા સર્વસત્તાધીશ અને શક્તિનિધાન રાજા સામે કેમ જ બોલાય?
મહારાજા, કદાપિ પર્વતો ઊડવા માંડે, આકાશમાં પુષ્પો ઊગે, અગ્નિ શીતળતા આપે, વંધ્યા સ્ત્રીને પુત્ર જન્મ, ગધેડાને શીંગડા ઊગે, પાષાણ પાણી ઉપર તરે, અને નારકીના જીવોને વેદના ન હોય, તો પણ આ નૈમિત્તિકની વાણી પ્રમાણભૂત નથી જ.'
મહારાજાએ બ્રાહ્મણ નૈમિત્તિકની સામે જોયું. નૈમિત્તિકે સ્વસ્થ શબ્દોમાં કહ્યું: “હે રાજન, આપની સભામાં આ નૈમિત્તિકો માત્ર મશ્કરી કરી જાણે છે. વસંતઋતુમાં વિનોદ કરાવનારા ભવૈયાઓ છે! હે રાજેશ્વર, આપની સભામાં જો આવા સભાસદ હોય તો બિચારી ચતુરાઈ ક્યાં જશે? આવા મૂઢ-મૂર્ખ લોકો સાથે આપથી ગોષ્ઠી કરાય જ નહીં. આ લોકો જ્યોતિષશાસ્ત્રના રહસ્યને જાણતા જ નથી, પણ પોપટની જેમ પાઠ ભણીને ગર્વિષ્ઠ થયેલા છે. ગાલને ફુલાવનારા અને ગધાપૂછ પકડી રાખનારા મૂર્ખ માણસો છે. આ માણસોને મારા જ્ઞાન ઉપર શ્રદ્ધા ન થતી હોય તો મારા જ્ઞાનની ખાતરી કરનારા સાત દિવસો ક્યાં દૂર છે? હે રાજનું, તમારા પુરુષોના કબજામાં હું સાત દિવસ રહીશ. મારું વચન જો સાતમે દિવસે સિદ્ધ ન થાય તો મને ચંડાળને સોંપી મારો વધ કરાવજો.”
રાજાએ બ્રાહ્મણને પોતાના અંગરક્ષકોને સોંપી દીધો. સભા વિસર્જન કરી. રાજાએ છ દિવસ છ વર્ષની જેમ પસાર કર્યા. સાતમા દિવસે રાજા એ બ્રાહ્મણ પાસે ગયો. તેને કહ્યું : “હે બ્રાહ્મણ, આજે તારા વચનનો સાતમો દિવસ છે! જો તારું વચન ખોટું પડશે તો તારો વધ થશે! માટે હજુ તને કહું છું કે તું ચાલ્યો જા! તને હણવાથી મને શો લાભ થવાનો છે! હું માનીશ કે ઉન્મત્ત મનોદશામાં તું બોલ્યો હતો...'
રાજનું, હવે મારું વચન પૂર્ણ થવામાં થોડી જ વાર છે! થોડી ધીરજ રાખો. અહીં જ બેઠાં બેઠાં યમરાજના અગ્રસૈનિકો જેવા ઊછળતા સમુદ્રનાં કલ્લોલ જુઓ! તમારી રાજસભાના પેલા નૈમિત્તિકોને પણ અહીં બોલાવો. કારણ કે ક્ષણ પછી હું, તમે કે તેઓ કોઈ રહેવાના નથી! બ્રાહ્મણ મૌન થઈ ગયો..પછી બૂમ પાડીને બોલ્યો : સાંભળો સમુદ્રનો ભયંકર ખળભળાટ..
૧૩૪
સુલાસા
For Private And Personal Use Only