________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંધ્યા સમયના ગોરજ મુહૂર્ત લગ્ન થયાં. કન્યાઓએ મારા બત્રીસે બત્રીસ પુત્રોના ગળામાં શ્વેત કમલની મોટી વરમાળાઓ આરોપી દીધી. નગારાં અને શરણાઈના સૂરોથી આખું રાજગૃહી ગુંજી ઊ. ચંદનજળ અને રજનીગંધાના અત્તરથી વાતાવરણ મઘમઘી ઊઠ્યું. પશ્ચિમ ક્ષિતિજેથી સૂર્યદેવે નવદંપતીઓને આશીર્વાદ આપ્યા.
લગ્નપ્રસંગે અનેક ભેટ-સોગાદો આવી. એમાં અનેક અલંકારો હતા. રેશમી વસ્ત્રો હતાં. સોનેરી અને રૂપેરી અણિયાળી તલવારો હતી. વૈદુર્ય, માણેક, મોતી અને પન્ના પણ હતાં. મહારાણી નંદાએ નીલા રંગનું રેશમી સેલું મોકલ્યું હતું. જ્યારે ધારિણીએ ગરોળી આકારની અંગૂઠી મોકલી હતી! સેલામાં સોનેરી બુટ્ટા હતા, તે બહુ કીમતી અને સુંદર હતું.
બત્રીસ પુત્રો અને પુત્રવધૂઓએ મહારાજા શ્રેણિકને પગે લાગી આશીર્વાદ લીધા. એ વખતે અમે લગ્નમંડપમાં જ શસ્ત્રો અને અસ્ત્રોનો ભંડાર ભેટ ઘર્યો! મહારાજાએ પુત્રોને ને પુત્રવધૂઓને આશીર્વાદ આપ્યા - “જુગજુગ જીવો! હૃદય ગદ્ગદ્ થઈ ગયું.
જીવનમાં આવા અનેક પ્રસંગ બને છે. પરંતુ કેટલાક પ્રસંગો ભૂલવા મથીએ તો પણ ભુલાતા નથી. પાણીમાં મગરે પકડેલો શિકાર, એ ક્યારેય છોડવા તૈયાર હોતો નથી, તેમ મન પણ એવા અસાધારણ પ્રસંગોને ભૂલવા તૈયાર હોતું નથી! મનની મંજૂષામાં આવા પ્રસંગોના અનેક મુલાયમ, રેશમી તેમજ જાડાંમોટાં વસ્ત્રો હોય છે.
એ રાત્રે તો હું થાકી-પાકી પલંગમાં પડતાં જ ઊંઘી ગઈ. પ્રભાતે પૂર્વ દિશા તરફના હવેલીના ઝરૂખામાં હું જઈને ઊભી રહી. પૂર્વ દિશા આછી લાલાશ પકડતી હતી. થોડીવારમાં તો નીલવણી સામ્રાજ્યના સોનેરી સમ્રાટ પોતાના રથનાં કિરણોરૂપી હજારો અશ્વ દોડાવતા પૂર્વ દિશાની ક્ષિતિજ આવીને ઊભા રહ્યા. પક્ષીઓએ કલરવ દ્વારા સ્વાગત કર્યું. ઘાસ-પાંદડાં પર ઝાકળનાં રૂપરી બિંદુ ચમકવા લાગ્યાં. ગોચર ભૂમિમાં ગાયોનાં સુંદર વાછરડાં ડોક ઊંચી કરીને આળસ મરડીને ઊછળવા લાગ્યાં. મંદિરોના કળશ સોનેરી રંગોમાં ઝળહળી ઊઠ્યા. સમસ્ત સૃષ્ટિ ચૈતન્યથી સ્પંદિત થઈ ઊઠી. વિસ્ફારિત આંખે એકીટસે હું એ જગતને ઉજાળનાર અક્ષયદીપને જોઈ રહી.
અને એ વખતે મને દેવેન્દ્રના સેનાપતિ હરિણગમૈષી દેવનાં દર્શન થયાં!
સુલાસા
૯૩
For Private And Personal Use Only