________________
ચાઈનીઝ ફૂડ હો યા ફાસ્ટ ફૂડ, બીમારીનું ઝડપી સરનામું
મુંબઈ સમાચાર : તા. ૧૦/૫/૦૦
એક પેટી ઘરમાં એવી હોય છે કે જેમાં ઘરેણું મૂકવામાં આવે છે તો ઘરના ખૂણે એક પેટી એવી પણ હોય છે કે જેમાં ઘરનો કચરો નાખવામાં આવે છે. જે શરીરમાં પ્રભુની પધરામણી થઈ શકે તેમ છે એ શરીરમાં વાસી, સડેલાં, તામસી, પ્રકૃતિને પ્રતિકૂળ એવાં દ્રવ્યો પધરાવતા રહીને આજના ભોગલંપટ અને રસલંપટ માનવે એ શરીરને કચરાપેટી કરતાં ય વધુ ખરાબ અને ભયંકર બનાવી દીધું છે. કોણ સમજાવે આજના માનવને કે શરીર ભલે તારું છે પણ તારા એ શરીર પર અનેકનાં જીવન ટકી રહ્યા છે! તારા તંદુરસ્ત શરીરની તારાં મા-બાપને, તારી પત્નીને, તારાં બાળકોને તો જરૂર છે જ પરંતુ સમાજને, રાષ્ટ્રને યાવત્ જગતને પણ જરૂર છે. તું તારા શરીરને રોગોનું ઘર બનાવી દે એ શું ચાલે? તું અકાળે સ્મશાનની વાટ પકડી લે એ શું ચાલે? સદ્ગુણોના ઉપાર્જન દ્વારા તું તારા શરીરને ‘તિજોરી’ બનાવી શકે છે, રોગોને આમંત્રણ આપતાં દ્રવ્યો પેટમાં પધરાવતા રહીને તું તારા શરીરને ‘કચરાપેટી'માં રૂપાંતરિત કરી દે એ હરગિજ ન ચાલે !'