________________
જીવનશૈલીથી જ કળિયુગ નક્કી થઈ ગયો છે
નવભારત ટાઈમ્સ : તા. ૧૩/૬૦૦
મર્યાદા ગમતી નથી, સ્વચ્છંદતા પાર વિનાની ગમે છે. સાદગી ગમતી નથી, વિલાસિતા બેસુમાર ગમે છે. ક્ષમાં ગમતી નથી, આક્રમકતા પાર વિનાની ગમે છે. સરળતા ગમતી નથી, વક્રતા જીવનશૈલી બની ગઈ છે. શરમ પસંદ નથી, બેરશમી આચર્યા વિના ચેન પડતું નથી. પવિત્રતા ગમતી નથી, વાસનાની ગટરમાં આળોટતા રહેવાનું નહીં પણ પડ્યાં જ રહેવાનું મન થયા કરે છે. પ્રભુ “બોગસ’ લાગે છે, પૈસામાં જ પરમેશ્વરનાં દર્શન થાય છે. પરલોક “હંબગ’ લાગે છે, ‘આલોક મીઠા તો પરલોક કોણે દીઠા ?' એ સૂત્રના સહારે ‘ખાઓ, પીઓ અને મજા કરો’ આ સૂત્ર જ જીવનમાં અમલી બની રહ્યું છે. કળિયુગની આનાથી વધુ નક્કર સાબિતી બીજી કઈ હોઈ શકે ? પ્રશ્ન એ નથી કે ધરતી પર કળિયુગ છે કે સત્યુગ? સમસ્યા એ છે કે મારા સ્વભાવમાં અને મારા જીવનમાં કળિયુગ પ્રતિષ્ઠિત થઈ ચૂક્યો છે. પ્રભુને તો હું માનતો નથી, મને બચાવશે કોણ?